રાજ્યમાં વરસાદી માહોલ અને આગાહી વચ્ચે ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતમાં સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૩પ.ર૯ મીટરે પહોંચી છે.
દરમિયાન મંગળવારે રાતના ૧૦ વાગ્યે ડેમના ર૩ દરવાજા ખોલવામાં આવતા
ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાના નિર્ણય બાદ નર્મદા કિનારાનાં ગામને એલર્ટ કરાયાં હતા. નર્મદા ડેમ મહત્તમ જળસપાટીથી માત્ર ત્રણ મીટર દૂર છે.
નર્મદા નદીમાં પૂરની સ્થિતી સર્જાતા ડભોઇના 3, શિનોરના 11 અને કરજણ તાલુકાના 11 નદી કાંઠાના ગામો મળી કુલ 25 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
નર્મદા નદીમાં પૂરની સ્થિતી સર્જાતા નદી કાંઠાના લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં આજથી બે દિવસ માટે વરસાદની આગાહી આપવામાં આવતા અને નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાતા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીના જળ સ્તરમાં વધારો થઇ રહ્યો છે. જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે