ડીસામાં રામનગરમાં મકાન ભાડે રાખી ડ્રગ્સ હેરાફેરી કરતા યુવકને એસ.ઓ.જી. ની ટીમે ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી ડ્રગ્સના જથ્થા સહિત 1.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીની ખૂબ જ ફરિયાદો ઉઠી હતી જેને પગલે પોલીસે પણ ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન એસ.ઓ.જી. ની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાંથી હેરાફેરી થતી હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં અચાનક તપાસ કરતા ડ્રગ્સના જથ્થા સાથે એક યુવક પકડાઈ ગયો હતો.

યુવકની પૂછપરછ કરતા તે સુઈગામના કુંભારખા ગામનો વિપુલ ગંગારામ વણોદ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની પાસેથી 18.27 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ તેની પાસેથી ત્રણ મોબાઇલ સહિત કુલ 1.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે યુવકની અટકાયત કરી આ ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસામાં ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. ત્યારે યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવી બરબાદ કરનાર આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે.