ડીસા શાકમાર્કેટની પેઢીના મુનિમે રૂ. 42.68 લાખની ઉચાપત કરી હતી. જે પૈકી માલિકને રૂ. 14 લાખ પરત આપ્યા હતા. જોકે, બાકીના રૂ. 28.68 લાખ પરત ન આપી ધમકીઓ આપતો હતો. આથી તેની સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી હતી.
ડીસાના વી. જે. પટેલ શાકમાર્કેટમાં રાજસ્થાન ટ્રેડીંગ પેઢી ધરાવતા કાંતિલાલ ગલબાજી માળીએ હિસાબ કિતાબ માટે ડીસા તાલુકાના માલગઢ મોટી ઢાંણીનો અંકિતકુમાર વાઘાજી પરમારને નોકરીએ રાખ્યો હતો. જેણે 1 એપ્રિલ 2022 થી 31 માર્ચ 2024 દરમિયાન બે ખેડૂતોના ખાતામાં અસલ વેચાણ બીલ ન બનાવી માત્ર ભાવફેરના બીલ બનાવી પેઢીના રેકર્ડમાં આ બીલોની ખતવણી કરી હતી. અને રૂ.42,68,582 રૂપિયાની ઉચાપત કરી હતી. આ અંગેની જાણ થતાં કાંતીલાલ માળીએ રૂ. 14,00,000 પરત લીધા હતા.
જોકે, બાકીના રૂ. 28,68,582 પરત આપ્યા ન હતા. ઉપરથી પેઢીના કાઉન્ટરમાંથી કાંતીલાલ માળીના સહિ કરેલા ચેકની ચોરી કરી હતી. જે બહારના રાજ્યમાં નાખી ફસાવી દેવાની ધમકી આપી હતી. તેમજ નાણાંની માંગણી કરવામાં આવશે તો ઇન્કમટેક્ષની રેડ કરાવવાની પણ ધમકી આપી હતી. આ અંગે કાંતીલાલે તેની સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.