પ્રતિષ્ઠિત નાગરિક ઉડ્ડયન કંપની એર ઈન્ડિયાએ તહેવારો પહેલા તેના કર્મચારીઓને ભેટ આપી છે. એરલાઈન હવે 1 સપ્ટેમ્બરથી કર્મચારીઓના પ્રી-કોરોના સમયગાળાના પગારને પુનઃસ્થાપિત કરશે. કંપની દ્વારા કર્મચારીઓને કહેવામાં આવ્યું કે, તેઓને 1 સપ્ટેમ્બરથી એટલો જ પગાર મળવાનું શરૂ થઈ જશે જેવો તેઓ કોવિડ મહામારી પહેલા હતા.

આ વર્ષે જાન્યુઆરીમાં ટાટા ગૃપ દ્વારા અધિગ્રહણ કરવામાં આવેલી ખોટમાં ચાલી રહેલી એરલાઈને પણ 1 સપ્ટેમ્બરથી ક્રૂ લેઓવર એલાઉન્સ અને ભોજનની વ્યવસ્થામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારીઓ માટે જાહેર કરાયેલા સંદેશાવ્યવહારમાં, એર ઈન્ડિયાના નવા-નિયુક્ત સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને કહ્યું છે કે, એરલાઈન તમામ કર્મચારીઓના પગારમાં કાપનો અંત લાવશે અને 1 સપ્ટેમ્બર, 2022થી તેમને પ્રી-કોવિડ સ્તર પર પુનઃસ્થાપિત કરશે.

વિલ્સને કર્મચારીઓને કહ્યું કે, એર ઈન્ડિયાને નફો કરતી કંપની બનાવવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે, તેમ છતાં કર્મચારીઓના પગારને કોવિડ પહેલાની સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવું એ આવકારદાયક પગલું છે. કંપનીની ઉત્પાદકતાના સંદર્ભમાં આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. જણાવી દઈએ કે, કોરોના મહામારી દરમિયાન એરલાઈન ઈન્ડસ્ટ્રી ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. ઘણી એરલાઇન કંપનીઓએ તેમના ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓના પગાર અને અન્ય ભથ્થામાં કાપ મૂકવાનો નિર્ણય લીધો હતો.