પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામે છલ્યુ તૂટી જતા ૧૦ થી વધુ ગામોની જનતાને હાલાકી

           પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામે આવેલું છલ્યુ વચ્ચેથી તૂટી જતા આજુબાજુના ૧૦ થી વધુ ગામોની જનતાને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 

         છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના દક્ષિણ વિસ્તારમાં આવેલ ઝાબ સાલોજ ગામે એપ્રોચ કોઝાવે ( છલ્યું ) વધારે વરસાદને કારણે તૂટી જતા આજુબાજુ ના ૧૦ થી વધુ ગામોને અવરજવર માટે ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે. 

         પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામે ટોકરવા કોતર ઉપર જે છેલ્યુ બનાવવામાં આવ્યું છે તે વચ્ચેથી તૂટી જઈ, ભુંગળા દેખાવા લાગ્યા છે. છોટાઉદેપુર જિલ્લા મથક સુધી પહોંચવાનો આ મુખ્ય માર્ગ હોય તેથી લોકો જીવના જોખમે છકડામાં તેમજ નાના વાહનોમાં બેસીને અહીંયા થી પસાર થાય છે. અને જો કોઈ જાનહાની થાય અથવા અન ઇચ્છનીય બનાવ બને તો તેના માટે જવાબદાર કોણ ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે.  

            આ છલ્યાની આજુબાજુના ગામો જેવા કે દેગલા, સજુલી, નવાપુરા, નાની આમરોલ, ઝાબ, પાણીબાર, ઘોડીયાલા, સાઢલી, કાવરા, ચીમલી, પ્રતાપપુરા વગેરે ગામોની જનતાને છોટાઉદેપુર જિલ્લા મથકે જવા માટે એકદમ સરળ રહે છે. આ છલ્યુ આ વિસ્તારની જનતા માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થાય છે. જે તૂટી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ કરાવી દેવામાં આવે એટલે રસ્તો ચાલુ થઈ જાય. તેમજ અહીંયા એક નાનો પુલ બનાવી દેવામાં આવે તો દર ચોમાસામાં પડતી તકલીફમાંથી જનતાને છુટકારો મળે તેમ છે. તો તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરે તે ખૂબ જરૂરી છે.