શહેરના પ્રથમ રેલવે ગરનાળા અને નવા બસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા..
પાટણ શહેર સહિત પંથકમાં સર્વત્ર મેઘ મહેર થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી.
પાટણ તા.૧૬
હવામાન વિભાગની આગાહીના પગલે મંગળવારે વહેલી સવારથી પાટણ શહેર સમગ્ર જિલ્લા માં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જળબંબાકાર ની સ્થિતિ ઉદ્ભવવા પામી હતી વહેલી સવારથી મેઘરાજાની પધરામણી ને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
પાટણ શહેરમાં મંગળવાર ની વહેલી સવારથી સતત વરસી રહેલી મેઘરાજાની મહેરથી શહેરના નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવવા પામી હતી તો શહેરના પ્રથમ રેલવે ગરનાળા વરસાદી પાણીથી ભરાઈ જતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને અનેક યાતનાઓ ભોગવી પડી હતી તો કેટલાક વાહનચાલકો આ માર્ગ પરથી પસાર થતા પોતાના વાહનો બંધ પડી જતા મુશ્કેલીમાં મુકાયા હતા.
પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક નવીન એસટી બસ સ્ટેન્ડમાં પણ વરસાદી પાણી ધમરોળતા એસ ટી બસ માં મુસાફરી કરતાં મુસાફરો સહિત વિધાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી. પાટણ શહેરની સાથે સાથે પંથકના અન્ય શહેરોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની મહેર થતા ખેડૂત આલમમાં ખુશી વ્યાપી જવા પામી હતી.