અમદાવાદ
ટેકસટાઇલ, શિક્ષણ, સોલાર, કેમિકલ, બિલ્ડર વેગેરેમાં વ્યવસાય સાથે સંકળાયેલા ચિરિપાલ ગ્રૂપમાં ઇન્કમટેકસના દરોડા પડ્યાં હતા. શહેરના બોપલ રોડ પર ચિરિપાલ ગ્રૂપની મુખ્ય ઓફિસ સાથે વેદપ્રકાશ ચિરિપાલ, બ્રિજમોહન ચિરિપાલ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં કુલ 40 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરોડા દરમિયાન અધિકારીઓને ચિરિપાલ ગ્રૂપમાંથી રૂ. 25 કરોડ રોકડા, રૂ. 10 કરોડની જ્વેલરી, 1.50 લાખ ડોલર અને 25 લોકર મળી આવ્યા છે. આ ઉપરાંત ચિરિપાલ ગ્રૂપમાં 5થી વધારે જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.સુરત ડીઆઇના નેજા હેઠળ ગત બુધવારે ચિરિપાલ ગ્રૂપ પર વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમદાવાદ સહિત સુરત, વડોદરાના અધિકારીઓ જોડાયા હતા. કેસ સુરત ડીઆઇના કાર્યક્ષેત્રમાં આવતો હોવાથી સમગ્ર કાર્યવાહી સુરતથી કરવામાં આવી હતી. અમદાવાદના 40 અને સાઉથ ગુજરાતના એક સહિત કુલ 45 થી 47 જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી હતી. ચિરિપાલ ગ્રૂપને ત્યાં દરોડામાં અધિકારીઓને કુલ રૂ. 25 કરોડ રોકડા, રૂ. 10 કરોડની જ્વેલરી, 25 લોકર અને 1.50 લાખ ડોલર મળી આવ્યા છે. આ ઉપરાંત અધિકારીઓને મળેલા ડિજિટલ દસ્તાવેજોને એફએસએલના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ જમીનોમાં કરેલા રોકાણના દસ્તાવેજોની ફાઇલો પણ મોટી સંખ્યામાં મળી આવ્યા છે.