સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામે આવેલ જિનાલયમાં તસ્કરો ત્રાટકયા હતા અને તીર્થંકર ભગવાન શાંતિનાથ દાદાની પંચ ધાતુની મુર્તી તથા રોકડ મળી કુલ રૂ. 4 હજારની મત્તા ચોરી કરી લઈ ગયા છે. દેરાસરના ટ્રસ્ટીએ લખતર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન અને માતાજીના મંદિરો પણ સુરક્ષિત નથી. જિલ્લાના ધ્રાંગધ્રામાં પ્રખ્યાત શીતળા માતાજીના મંદિરે અવારનવાર ચોરીનો બનાવ બને છે.જયારે થોડા દિવસ પહેલા લખતરના દેવળીયા ગામે પુજારીના ઘરેથી રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના ઘરેણાં ચોરાયા હતા. ત્યારે લખતરના વણામાં જિનાલયમાં ચોરીની ઘટના બની છે.મળતી માહિતી મુજબ લખતર તાલુકાના વણા ગામે આવેલ જિનાલયમાં રમેશભાઈ નરોત્તમભાઈ ચૌહાણ પુજારી તરીકે છે. તેઓ સાંજે જિનાલયને તાળુ મારી ચાવી સાથે લઈ જાય છે. તા. 12મીના રોજ સવારે તેઓ દેરાસરને જતા તાળા તુટેલા જોવા મળ્યા હતા. આથી તેઓએ સુરેન્દ્રનગર રહેતા જિનાલયના ટ્રસ્ટી પ્રકાશભાઈ ત્રંબકલાલ ધોળકીયાને ફોન કરતા તેઓ દોડી ગયા હતા.તપાસ કરતા તીર્થંકર ભગવાન શાંતીનાથ દાદાની પંચધાતુની મૂર્તી જેની કિંમત આંકી ન શકાય પરંતુ હાલ તેનું બજાર મુલ્ય 3 હજાર અને રોકડા રૂપીયા 1 હજાર મળી કુલ રૂપીયા 4 હજારની મત્તા ચોરાઈ હતી. ચોરી અંગે લખતર પોલીસ મથકે પ્રકાશભાઈ ધોળકીયાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ વાય.પી.પટેલ ચલાવી રહ્યા છે.