ડીસા-ભીલડી હાઇવે પર ડીસા તાલુકાના માલગઢ પાટીયા નજીક બાઇક પર જઇ રહેલા માતા-પુત્રને પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં માતા પર ટ્રેલરના ટાયર ફરી વળતાં 108 વાન મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અકસ્માતની વિગત એવી છે કે, ડીસાના રાણપુર રોડ પર રીજમેન્ટ નજીક ફાર્મ હાઉસમાં રહેતાં રાજુભાઇ વેનાજી પઢિયાર (માળી) અને તેમની માતા ગોમતીબેન વેનાજી પઢિયાર (માળી) માલગઢના હાઇવે પર સામાજીક બેસણાના પ્રસંગમાં જઇ રહ્યા હતા. ત્યારે ડીસા-ભીલડી હાઇવે પર માલગઢ નજીક પી.કે. કોલ્ડ સ્ટોરેજની સામે પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલર નં. RJ-02-GB-5948 ને બાઇક નં. GJ-08-CP-5030 ને ટક્કર મારતાં રાજુભાઇ અને તેમની માતા બંને નીચે પટકાયા હતા.
જેમાં રાજુભાઇને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે તેમની માતા ગોમતીબેનના પગ પર ટ્રેલરના ટાયર ફરી વળતા ગંભીર હાલતમાં ડીસાની 108 વાન મારફતે ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.
જ્યારે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતાં માળી સમાજમાં શોકની કાલીમાં છવાઇ ગઇ હતી. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ટ્રેલર મૂકીને નાસી છૂટયો હતો. આ અંગે અંગે રાજુભાઇના ભાઇ દીપકભાઇ વેનાજી પઢિયાર (માળી) એ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છૂટેલા ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.