આંબાખૂટ ગામના વન વિભાગના વોચમેનને દીપડો ખેચી ગયો : બે કિલોમીટર સુધી જંગલમાં ખેચી જઈને ખાઈ જતા વોચમેનનું થયું મોત

         પાવીજેતપુર તાલુકાના આંબાખૂટ ગામના અને વન વિભાગમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા એક વોચમેનને ગઈકાલે સાંજે દીપડો પકડીને જંગલમાં ખેચી જઈ ખાઈ ગયો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે.

      છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર વન વિભાગના આંબાખૂટ ગામે રહેતા ગણપતભાઈ ટેટાભાઈ બારિયા વન વિભાગમાં આઉટસોર્સમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હતા.ગઈકાલે તેઓ ફરજ પર હતા અને સાંજે ઘરે પરત ફર્યા ન હતા, જેને લઇને સવારે તપાસ કરતા આજે બપોરે લગભગ ૩ વાગ્યાના અરસામાં તેમના ચંપલ અને બેગ મળી આવી હતી,ચંપલ અને બેગ મળી આવી ત્યાંથી ઘસડાયેલાના નિશાન આધારે જંગલમાં તપાસ કરતા બે કિલોમીટર દૂર જેટલા અંતરેથી તેમની લાશ મળી આવી હતી.લાશને જોતા ગણપતભાઈની પીઠ ઉપર કરડી ખાધેલું જણાઈ આવ્યું હતું, ત્યારે વન વિભાગે તપાસ કરતા ગણપતભાઈ ઘરે પરત ફરતા હતા ત્યારે લગભગ ૬ વાગ્યાના અરસામાં વન્ય પ્રાણી દીપડા દ્વારા ગણપતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને લગભગ બે કિલોમીટર સુધી જંગલમાં ખેચી જઈને પીઠના ભાગે કરડી ખાધેલી હાલતમાં આજે બપોરે લાશ મળી આવી હતી.

      આ લાશ મળી આવતા વન્ય કર્મીઓ પણ જંગલમાં સુરક્ષિત નથી, અને આવી રીતે જંગલનું રક્ષણ કરતા વન કર્મીઓ જ વન્ય પ્રાણીના હુમલાનો શિકાર બની ગયાની જીલ્લામાં પ્રથમ ઘટના બની છે.