ડીસા તાલુકાના જૂનાડીસામાં 3 દિવસ અગાઉ શખ્સો ગાડી લઇને એક સોની પરિવારના ઘરે નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બનીને ગયા હતા અને આ અજાણ્યા શખ્સોએ સોની પરિવારને ઇન્કમ ટેક્સના નામે ડરાવી-ધમકાવી તેમની પાસેથી ચાંદીના બિસ્કીટ અને રોકડ રકમ સહીત રૂ. 4,35,000 નો મુદ્દામાલ લઇ ગયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાતાં આ ગુનાની ગંભીરતા લઇ બનાસકાંઠા એલ.સી.બી.ની ટીમ તપાસ હાથ ધરી હતી અને આ ગુનામાં સંડોવાયેલા 6 શખ્સોમાંથી 4 શખ્સોને એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડી તેમની પાસેથી કેટલોક મુદ્દામાલ પણ રીકવર કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં રહેતાં મહેન્દ્રભાઇ સોની સોના-ચાંદીની દુકાન ચલાવે છે. ત્યારે આજથી 3 દિવસ અગાઉ તેઓ ઘરે હતા. ત્યારે કેટલાંક અજાણ્યા શખ્સો એક ગાડી લઇને તેમના ઘરે આવ્યા હતા અને તે શખ્સોએ પોતે ઇન્કમ ટેક્સ અધિકારી હોવાનું જણાવી ઘરમાં જે પણ મુદ્દામાલ છે તે તમામ લાવો તેમ કહી ઘરમાંથી ચાંદીના બિસ્કીટ અને રોકડ રકમ મળી રૂ. 4,35,000 કુલનો મુદ્દામાલ લઇ આ શખ્સો ફરાર થઇ ગયા હતા. જ્યારે બીજા દિવસે મહેન્દ્રભાઇ સોનીને જાણ થતાં કે તેમની સાથે નકલી અધિકારી બનીને આ શખ્સોએ છેતરપિંડી કરી છે. જેથી તેમણે તાત્કાલીક ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આ મામલે બનાસકાંઠા એલ.સી.બી. ની ટીમે તપાસ શરૂ કરી હતી. ત્યારે મંગળવારે બનાસકાંઠા એલ.સી.બી.ના પી.આઇ. એસ.ડી.ધોબીની સુચનાથી પી.એસ.આઇ. પી. એલ.આહીર, રઘુવીરસિંહ, મુકેશભાઇ પરમાર, મહેશભાઇ અને જોરાવરસિંહ સહીતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમણે ખાનગી બાતમી મળી હતી કે, ડીસા-પાટણ રોડ ઉપર આવેલ ધરપડા ગામની કેનાલ પાસે કેટલાંક શખ્સો કોઇ ચીજ વસ્તુઓના ભાગ પાડી રહ્યા છે. જેથી તાત્કાલીક એલ.સી.બી. ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં ઉભેલા 4 શખ્સોને ઝડપી પાડી તેમની તપાસ કરતાં તેમની પાસેથી 4 ચાંદીના બિસ્કીટ, રોકડ રકમ અને મોબાઇલ ફોન રૂ. 2,62,581 મળી કુલનો મુદ્દામાલ જપ્ત કરી તેમની વધુ પૂછપરછ કરતાં આ મુદ્દામાલ તેમણે જૂનાડીસા ગામના મહેન્દ્રભાઇ સોની પાસેથી નકલી અધિકારી બનીને લૂટ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આરોપી નરેશ ઉર્ફે નરસિંહ સહદેવજી ઠાકોર (રહે. કુંભારવાસ, જૂનાડીસા), શ્રવણજી તરસંગજી ઠાકોર (રહે. ઢુવા તા. ડીસા), ધારસીજી શંકરજી ઠાકોર (રહે. માધુપુરા રોડ, ઢુવા તા. ડીસા) અને રાહુલજી શ્રવણજી ઠાકોર (રહે. ઢુવા, તા. ડીસાવાળા) ની અટકાયત કરી તેમની વધુ પૂછપરછ કરતાં આ ગુનામાં અન્ય 2 શખ્સો પણ હોવાનું સામે આવતાં પોલીસે પીજી ઉર્ફે પીન્ટુજી દલસંગજી ઠાકોર (રહે. વીરપુર, આંગણવાળા તા. કાંકરેજ) અને લાલભા નથુભાઇ વાઘેલા (રહે. આંગણવાળા, તા. કાંકરેજ) વાળાની શોધખોળ હાથ ધરી છે. આમ બનાસકાંઠા એલ.સી.બી. ની ટીમે આ લૂંટના ગુનાને ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે.