સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકે આકર્ષણ જમાવ્યું છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી રમતવીરો પોતાનું દમખમ બતાવવા પધાર્યા હતા. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં દેશી રમતો જેમ કે, નાળિયેર ફેંક, વોલીબોલ, માટલા દોડ, કબડ્ડી, રસ્સાખેંચ, દોરડા કૂદ, લાંબી કૂદ સહિતની વિવિધ રમતો રમાડવામાં આવે છે. તાપી, રાજકોટ, મોરબી સહિતના રાજ્યભરના અનેક ખેલાડીઓ પોતાનું કૌશલ્ય ઝળકાવવા તરણેતરના મેળામાં આવ્યા હતા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેવા રાજકોટથી આવેલા ખેલાડી સ્નેહા દવેએ જુસ્સાભેર જણાવ્યું હતું કે, હું સૌપ્રથમ વખત તરણેતરના મેળામાં આવી છું અને અહીં અનેક રમતો જોઈને તથા વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિસ્પર્ધીઓને મળીને આનંદની લાગણી અનુભવું છું. પારંપરિક મેળામાં રમતગમતની આ વિશિષ્ટ સ્પર્ધાઓ થકી ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના વિકસે છે. ખેલમહાકુંભમાં લોંગ રનર તરીકે ગોલ્ડ મેડલ મેળવનાર સ્નેહાએ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાને બિરદાવી હતી. 

મોરબી જિલ્લાના હળવદ તાલુકાની દિઘડિયા પ્રાથમિક શાળાના ઉત્સાહી બાળકો પણ ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેવા પહોંચ્યા હતા જે પૈકી બાળ ખેલાડી ભાવેશભા ચંદુભા ગઢવીએ પોતાની કાલીઘેલી ભાષામાં જણાવ્યું હતું કે, અમે 2-3 વર્ષથી તરણેતરના મેળામાં આવીએ છીએ. અમને અમારા શિક્ષકો દ્વારા રમત ગમત ક્ષેત્રે આગળ વધવા શ્રેષ્ઠ માર્ગદર્શન આપવામાં આવે છે તથા અમને અહીં સ્પર્ધામાં ભાગ લેવાની સાથે મેળામાં ફરવાની પણ મજા આવે છે. 

મોરબી જિલ્લાના દિઘડિયા પ્રાથમિક શાળાના ખેલ સહાયક શ્રી નટુભાઈ મકવાણા ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે પોતાની શાળાના 16 બાળકો સાથે આવ્યા હતા તેમણે જણાવ્યું કે, હું 2017થી કોચ તરીકે કાર્યરત છું તથા બાળકો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે અમે પ્રયાસ કરીએ છીએ જે અન્વયે અમે દર વર્ષે તરણેતરના મેળામાં બાળકોને લઈને આવીએ છીએ.

અમારી શાળાના ધર્મીષ્ઠાબેન કાનજિયા તથા પૂજાબેન મકવાણા લાંબી કૂદમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયા છે. ઉલ્લેખનીય છે કે, આ ગ્રામીણ ઓલિમ્પિક ઉભરતા ખેલાડીઓ માટે પ્રગતિના પ્રથમ સોપાનની ભૂમિકા ભજવે છે. આગામી દિવસોમાં વિવિધ રમતોમાં ખેલાડીઓ પોતાનું કૌવત દેખાડશે. 

શું છે ગ્રામીણ ઓલિમ્પિક

રાજ્યમાં માત્ર બે જ સ્થળો ખાતે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રથમ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા તરણેતરનો મેળો તથા બીજું સ્થળ છે દેવગઢ બારીયા. ભાદરવા સુદ ત્રીજથી યોજાતો તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક ખૂબ પ્રખ્યાત છે, જ્યાં દેશી રમતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીં માટલા દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, રસ્સા ખેંચ, ખાંડના લાડવા ખાવાની સ્પર્ધા, સ્ટ્રોંગ મેન, નારગોલ, લંગડી સહિતની સ્વદેશી રમતો રમાડવામાં આવે છે. જે રમતો વિશે યુવા પેઢી અજાણ છે તેવી વિસરાતી રમતો વિશે અહીં જાગૃતિ આપવામાં આવે છે, જેમાં રાજ્યભરના વિવિધ વિસ્તારોના ખેલાડીઓ હરખભેર ભાગ લે છે.