રાજકોટ શહેરમાં વસવાટ કરતાં ઘરવિહોણા તેમજ મઘ્યમવર્ગી તેમજ ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા સ્માર્ટ ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના સહિતના પ્રોજેકટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. લાભાર્થીએ ફોર્મ ભર્યા બાદ ડ્રો થાય ત્યારે તેનું નામ આવે તો તે લાભાર્થીને આવાસ મળવા પાત્ર છે. દરેક વખતે આવાસોની સામે વધુ ફોર્મ ભરાતા હોય ડ્રો થયા બાદ બાકી રહી ગયેલા અરજદારોએ ફરી વખત ફોર્મ ભરાઈ ત્યારે એની એ જ ઝંઝટ કરવી પડતી હોય છે જેમાંથી મનપાએ હવે મુક્તિ આપી એક વખત ફોર્મ ભર્યા બાદ ડ્રોમાં આવાસ ન લાગે તો તેમને વેઈટિંગમાં રાખી નવા ડ્રોમાં અગ્રતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં અનેક પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને સ્માર્ટઘર આવાસ યોજના તૈયાર કરવામાં આવી તેમજ હાલમાં અનેક આવાસ યોજનાનું કામ ચાલુ છે જે પૈકી મોટાભાગની આવાસ યોજનાનો ડ્રો થઈ ગયેલ છે અને જે અરજદારને આવાસ લાગેલ હોય તેમને મેસેજ પણ આપી દેવાયેલ છે. આવાસ યોજનાના ફોર્મ વિતરણ અને ફોર્મ ભરવા માટે એકથી બે માસનો સમય અરજદારને આપવામાં આવે છે તે દરમિયાન આવાસની સામે વધુ ફોર્મ આવતા હોય છે. ફોર્મનું વેરિફેશન થયા બાદ માન્ય રહેલ ફોર્મની યાદીનો ડ્રો કરવામાં આવે છે. આવેલ ફોર્મ પૈકી અમુક અરજદારોને ડ્રોમાં ચાન્સ લાગતો નથી પરિણામે ફરી વખત ફોર્મ વિતરણ થાય ત્યારે રૂા.100 ભરી આવકના દાખલા સહિતના ડોક્યુમેન્ટ સાથે ફરી વખત ફોર્મ ભરવું પડે છે. જેમાં ઘણી વખત નવી આવાસ યોજનાની જાણકારી ન હોવાથી અનેક અરજદારો ફોર્મ ભર્યા વગર રહી જાય છે આથી એક વખત ફોર્મ ભર્યા બાદ વેરિફિકેશન માન્ય થયેલું હોય અને ડ્રોમાં ચાન્સ ન લાગ્યો હોય તે પ્રકારના તમામ ફોર્મ હવેથી વેઈટિંગમાં રાખવામાં આવશે.