ડીસાના ભોયણ ગામના યુવકે પ્રેમના વિરહમાં શુક્રવારે ઝેરી દવા પી જીવન ટૂંકાવી દીધું હતું. યુવકે સગીરા સાથે લગ્ન કર્યા હોઇ સગીરાને પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે. જેના વિરહમાં તેમજ યુવકને સગીરાને ભૂલી જવા બદલ ધમકીઓ આપવામાં આવતી હોવાથી એસિડ પી લીધું હતું.પોલીસે ફરિયાદના આધારે ચાર વ્યક્તિઓ સામે ગૂનો નોંધી અટકાયત કરી હતી.
ડીસા તાલુકાના ભોયણ ગામે રહેતા ભરત પરથીભાઇ લુહારને એક સગીરાને એક વર્ષ અગાઉ ભગાડીને લઈ ગયો હતો. ત્યારબાદ સગીરાના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી લીધા હતા. જેમાં સગીરાને પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી જ્યારે યુવકને જેલમાં ધકેલાયો હતો. ત્યારબાદ તે જામીન પર છુટતા અનેક વખત નારી સંરક્ષણ ગૃહમાં મળવાનો પ્રયાસ કરતો હતો.
જોકે, તેને સમાજના ચાર વ્યક્તિઓ દ્વારા વારંવાર ધમકીઓ મળતાં તેમજ સગીરાને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવતા આખરે કંટાળી ભરત લુહારે મોબાઇલમાં વિડીયો બનાવી સમગ્ર આપવીતી જણાવી હતી. તેમજ પોતાને ધમકી આપનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ વિનંતી કરી હતી.વિડીયો વાયરલ કર્યા બાદ તેણે એસિડ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલમાં લવાતા વધુ સારવાર માટે પાલનપુર રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગે યુવક ભરત લુહારે વિડીયોમાં જણાવ્યું હતું કે, મારા સમાજના જ ચાર લોકો દ્વારા મને તમે જ મારા પ્રેમને મારી નાખવાની ધમકી આપતા હોવાથી તેમજ નારી સંરક્ષણ ગૃહમાં એ દુઃખી થતી હોઇ તેના જીવને જોખમ હોઇ મેં જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો છે. જે બાબતે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી ધમકી આપનાર ચાર વ્યક્તિઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓના નામ
(1) ખેતાભાઇ વિરાભાઇ લુહાર
(રહે. સાંડીયા, તા. ડીસા)
(2) સુનિલ ખેતાભાઇ લુહાર
(રહે. સાંડીયા, તા. ડીસા)
(3) ભરતભાઇ ખેતાભાઇ લુહાર
(રહે. સાંડીયા, તા. ડીસા)
(4) ઠાકરશીભાઇ ભાયજીભાઇ લુહાર
(રહે. રવેલ જૂના, તા. દિયોદર)