પાવીજેતપુર તાલુકાના સિહોદ નજીક ભારજ પુલ તુટી જતાં કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ ચલાવાઈ 

             પાવી જેતપુર તાલુકામાં સિહોદ પાસે ભારજ નદીનો પુલ તૂટી જતા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ આરંભી વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

             છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય માર્ગ એવા હાઇવે નંબર ૫૬ ઉપર પાવીજેતપુર તાલુકાના સિહોદ પાસે ભારજ નદી ઉપર આવેલો પુલ તૂટી ગયો છે જેને લઇ છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશથી આવતી જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ પુલ તૂટી જતા જનતાને ૩૫ થી ૪૦ કી.મી. નો ફેરો વધી જવા પામ્યો છે. 

             ૧૪ માસ અગાઉ આ પુલ તૂટી ગયો હોય જેનું કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ઉપરાંત ચાર માસ અગાઉ ૨.૩૪ કરોડના ખર્ચે ભારજ નદીના પટમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે સામાન્ય પાણીનો પ્રવાહ નદીના પટમાં આવતાં ધોવાઈ જતા, ૨.૩૪ કરોડ પાણીમાં વહી જવા પામ્યા છે. નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર આવેલ ભારજ નદીનો પુલ તૂટી જતા તેમજ ડાયવર્ઝન સંપૂર્ણ ધોવાઇ જતા જનતાને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. મગરમચ્છની ચામડી ધરાવતા અધિકારીઓ ને જનતાને પડતી તકલીફ દેખાતી જ નથી ત્યારે લોકોની વેદના ને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૨.૩૪ કરોડ નું ડાયવર્ઝન સામાન્ય પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે ત્યારે તેની હલકી કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. તેમજ ભારજ નદી ઉપરનો પુલ વહેલી તકે બને અને લોકોની હાલાકીમાં ઘટાડો થાય તે માટે તબક્કાવાર સહી ઝુંબેશ કોંગ્રેસ દ્વારા ચાલુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે પાવીજેતપુરના પ્રવેશ દ્વાર એવા વન કુટીર પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઊભા રહી લોકો પાસે સહીઓ કરાવવામાં આવી હતી.

         આમ, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા ૧૪ માસથી તૂટેલા પુલની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા તેમજ તાજેતરમાં જ બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા, કોંગ્રેસ દ્વારા સમગ્ર જિલ્લામાં સહી ઝુંબેશ આરંભી લોકોની સહીઓ કરાવી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવનાર છે. જેના ભાગરૂપે પાવીજેતપુર વન કુટીર પાસે સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી.