છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે પાવીજેતપુર નજીક ભારજ બ્રિજ પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તો બંધ
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે પાવીજેતપુર તાલુકાના ઉપરવાસમાં વધુ વરસાદ પડતા પાવીજેતપુર નજીક આવેલ ભારજ પુલ પાસે બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લાના જીવા દોરી સમાન નેશનલ હાઇવે નંબર ૫૬ રોડ ઉપર ભારજ નદી ઉપર બનાવેલ પુલના પીલરો બેસી જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. આ પુલ નબળો પડી જવાના કારણે ભારે વાહનોની અવરજવર માટે ભારજ નદીના પટમાં ૨.૩૪ કરોડ રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ થતાં તેમજ પાવીજેતપુર તાલુકામાં ઉપરવાસમાં વધુ વરસાદ થતાં બે થી ત્રણ કોતર ના પાણીનો વ્હેણ ભારજ નદીના પટમાં વધતા, પાણી ડાયવર્ઝન ઉપરથી પસાર થવા લાગ્યુ હતું. જેના પગલે પાવીજેતપુરના એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ દ્વારા ભારજ બ્રિજ પરનું ડાયવર્ઝન તાત્કાલિક અસરથી બંધ 8નો આદેશ કરવામાં આવ્યો હતો.
ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ ચાલુ રહેતા નદીના પટમાં પાણીનું પ્રવાહ વધુ વધતાં ધીમે ધીમે આ ડાયવર્ઝનનું ધોવાણ ચાલુ થઈ જતા ગાબડા નીકળવા લાગ્યા હતા. જેમાં બપોરના સમય સુધી ૫૦ ચોરસ ફૂટ જેટલું મોટું ગામડું પડી જવા પામ્યું હતું. પાણીનો પ્રવાહ હજુ ચાલુ હોવાથી ડાયવર્ઝનને વધુ નુકસાન થવાની શક્યતા રહેલી છે. હજુ સામાન્ય જ વરસાદ વરસ્યો હોય તેમાં જ આ ડાયવર્ઝન ધોવાઈ જતા તકલાદી કામગીરી કર્યા હોવાની જનતામાં બૂમો ઊઠી રહી છે જો સુખી ડેમ ભરાશે અને તેમાંથી પાણી છોડવામાં આવશે તો આ ડાયવર્ઝન ની શું દશા થશે ? એવા પ્રશ્નો જનતામાં ઉઠી રહ્યા છે.
આમ, પાવીજેતપુર નજીક ભારજ નદીમાં બનાવેલ ડાયવર્ઝન વધુ વરસાદના પગલે નદીના પટમાં પાણીનો પ્રવાહ વધતા ધોવાઈ જતા રસ્તો બંધ થઈ જવા પામ્યો છે. આ રસ્તો બંધ થઈ જતા વૈકલ્પિક માર્ગ તરીકે બોડેલીથી મોડાસર ચોકડી-રંગલી ચોકડી- રતનપુર -પાવીજેતપુર જઇ શકાશે. મે ૨૦૨૪ માં શરૂ થયેલ ડાયવર્ઝન ઓગસ્ટ ૨૦૨૪માં ધોવાઈ જતા ૨.૩૪ કરોડ રૂપિયા પાણીમાં વહી જવા પામ્યા છે. આના માટે જવાબદાર કોણ ?
ભારજ નદી પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી દરરોજ હજારો વાહન પસાર થતા હતા, પરંતુ આ ડાયવર્ઝન ધોવાઈ જતા ભારે વાહનો આ ડાયવર્ઝન પરથી પસાર કરવાના બંધ કરી દેવામાં આવ્યા છે. હવે ભારદારી વાહનોને પસાર થવા માટે પાવીજેતપુરથી બોડેલીના ૧૫ કિલોમીટરનું અંતર ૩૫ કિલોમીટરનો ફેરાવો બની ગયો છે. ડાયવર્ઝન બનાવનાર એજન્સીના પાપે જનતાના રૂપિયા ૨.૩૪ કરોડ પાણીમાં ગયા પરંતુ ૧૫ ના બદલે ૩૫ કિલોમીટરનો ફેરો ફરવા મજબૂર બની ગયા છે.