વડોદરામાં બીલ રોડ પર સગુણ પાર્ટી પ્લોટ સામે આવેલા અશોક વાટિકા બંગ્લોઝમાં રહેતાં ગાંધીનગર આઈજીના રીડર પીએસાઈના બંધ બંગલામાં ચોરીનો બનાવ બન્યો છે અને ચાર તસ્કરો રૂા. 5. 30 લાખની મતા લઇ ફરાર થઇ જતા માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ રાજેશકુમાર બ્રહ્મભટ્ટ હાલમાં રેન્જ આઈજી ગાંધીનગરના રીડર પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હોય તેઓ હાલ પોલીસ હેડ કવાટર્સ ગાંધીનગર ખાતે રહે છે અને વડોદરા ખાતે બીલ રોડ પર અશોક વાટિકા બંગલોઝ માં પોતાનો બંગલો ધરાવે છે.
દરમિયાન ગત તા.7મી ઓગસ્ટના રોજ પીએસઆઈના પત્ની પારૂલબેન વડોદરાથી ગાંધીનગર ખાતે ગયા હતા.
ત્યારે 12મી ઓગસ્ટના રોજ પીએસઆઈ રાજેશ બ્રહ્મભટ્ટે વડોદરાના ઘરની બહાર લગાવેલા સીસીટીવી મોબાઈલ એપથી ચેક કરતાં 11મી ઓગસ્ટની રાત્રે 1.34થી 2.28 દરમિયાન પાઈપ,ધોકા,ઇંટ અને પથ્થર સાથે આવેલા ચાર ઇસમો ઓટલાની બારી તોડી ઘરમાં પ્રવેશી ચોરી કરી હોવાનું જણાતા પીએસઆઇ અને તેમના પત્ની વડોદરા દોડી આવ્યા હતા અને માંજલપુર પોલીસને જાણ કરતા માંજલપુર પોલીસ ડોગ સ્કવોડ સાથે સ્થળ ઉપર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
દરમ્યાન ઘરમાંથી પાંચ લાખ રૂપિયાના દાગીના અને રૂા.30 હજાર રોકડાની ચોરી થઈ હોવાનું જણાયું હતું.
આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.