સેન્દ્રિય ખાતરો, જમીનની ફળદ્રુપતા તો વધારે જ છે, સાથે સાથે છોડને મુખ્ય પોષક તત્વો ઉપરાંત સૂક્ષ્મ પોષક તત્વો પણ પુરા પડે છે. એક ટન અનાજ ઘાસ સાથે ઉત્પાદન માટે (ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ, જવ, વગેરે) લગાગ ૩૩કિ.ગ્રા. નાઈટ્રોજન ૧૨ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૫૮ કિ.ગ્રા. પોટાશ તત્વની જરૂરિયાત પડે છે.

આપણા દેશમાં પાક અવશેષો તથા સેન્દ્રિય કચરો ખૂબ મોટા જથ્થામાં મળી શકે તેમ છે. મુખ્ય ધાન્યપાકો જેવાં કે ઘઉં, બાજરી, મકાઈ. જુવાર, ડાંગર વગેરેમાંથી અંદાજે ૨૫૬ મિલિયન ટન ઘાસ-કચરૂ મળી શકે તેમ છે. આ પાક અવશેષોમાં સરેરાશ 0.૫ % નાઈટ્રોજન, ૦.૬% ફોસ્ફરસ અને ૧.૫% પોટાશ તત્વ હોય છે. પાક અવશેષોના આ કુલ જથ્થામાંથી ૧.૧૩, ૧.૪ અને ૩.૫૪ મિલિયન ટન અનુક્રમે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વો મળી શકે છે. પાક અવશેષો જાનવરોને ખવડાવવામાં આવે છે. કુલ જથ્થામાંથી પ0% જો જાનવરોને ખવડાવવામાં અને બાકીનો જથ્થો જો યોગ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં ઉમેરવામાં આવે તો રાસાયણિક ખાતરની જરૂરિયાતમાં ઘટાડો શકાય. આ ઉપરાંત છાણિયા ખાતર કે ખોળ ઉપરનું ભારણ પણ ઘટાડી શકાય. આ બિનઉપયોગી પાક અવશેષો તથા સેન્દ્રિય કચરાની ગુણવત્તા વધારી તેનો પાક ઉત્પાદન વધારવામાં ઉપયોગ થઈ શકે.

સેન્દ્રિય ખાતર :

વનસ્પતિ તેમ જ પ્રાણીના બિનઉપયોગી અવશેષો જેવા કે જુદા જુદા પાકોના પરાળ, સૂકુ ઘાસ, રાડા, થડીયા, પાન, નીંદામણો, ઘરનો નકામો કચરો, રાખ, પશુઓથી ખાતા વધેલ કે પશુ દ્વારા ચારાનો નકામો કચરો વગેરે સેન્દ્રિય પદાર્થોને યોગ્ય પદ્ધતિથી યોગ્ય સમય સુધી કહોવડાવીને બનાવવામાં આવતાં ખાતરને સેન્દ્રિય ખાતર કહેવામાં આવે છે.

સેન્દ્રિય પદાર્થ કુદરતમાંથી મળતાં કાર્બનયુકત પદાર્થ-છોડ-પ્રાણીજ અવશેષો જેમાં છોડના કોષમાં ૯૦% કરતાં વધુ સુકો પદાર્થ-કાર્બન ડાયોકસાઈડ, ઓકસીજન અને હાઈડ્રોજન હોય છે અને નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, અન્ય પોષક તત્વો જે સેન્દ્રિય સ્વરૂપમાં હોય છે. છાણિયું ખાતર, લીલો પડવાશ, પાકના અવશેષો, ખોળ, વર્મિકમ્પોસ્ટ વગેરે તેના સત છે.

સેન્દ્રિય ખાતરના વિવિધ ફાયદાઓ :

સેન્દ્રિય ખાતર વાપરવાથી જમીનની ભૌતિક, રાસાયણિક તેમ જ જૈવિક સ્થિતિ સુધરે છે. સેન્દ્રિય ખાતરો જમીનમાં નાખતાં જમીનનું બંધારણ સુધરવાથી મૂળનો વિકાસ ઝડપથી અને વધારે પ્રમાણમાં થાય છે જેથી છોડ જમીનમાંથી વધારે પ્રમાણમાં પોષક તત્વો લઈ શકે છે.

સેન્દ્રિય ખાતર વાપરવાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ તથા નિતાર શક્તિ સુધારે છે.

સૂક્ષ્મ જીવાણુંઓને લીધે સેન્દ્રિય ખાતરો કહોવાતા તેમાંથી ફોર્મિક એસિડ, એસિટિક, એસિડ, પ્રોપીયોનિક એસિડ, બ્યુટારીક એસિડ, એમોનિયા અને હાઈડ્રોજન સલ્ફાઈડ જેવા ઉડ્ડયનશીલ તત્વો નીકળે છે જે સીધેસીધા કૃમિને ઝેરી અસર કરે છે.

સેન્દ્રિય ખાતરો કહોવાવાથી તેમાં ગણા પ્રમાણમાં બેકટેરીયા ઉત્પન્ન થાય છે અને તેના પર નભતા બીજા ફાયદાકારક કૃમિ ઉત્પન્ન થાય છે કે જે નુકસાન કરતાં કૃમિઓને અમુક અંશે નિયંત્રણમાં રાખે છે.

સેન્દ્રિય ખાતર બનાવવામાં રહેલા પાયાના સિદ્ધાંતો :

સેન્દ્રિય કચરામાં છાણિયું ખાતર તથા જાનવરોનું મૂત્ર મિશ્ર કરી તેને યોગ્ય ભેજે રાખવામાં આવે છે પરિણામે સૂક્ષ્મ જીવાણુંઓ દ્વારા કહોવાણ થાય છે અને યોગ્ય સમયગાળામાં ખાતર તૈયાર થાય છે.

કાર્બન નાઈટ્રોજન રેશિયા (ગુણોત્તર) નો પ્રભાવ : સેન્દ્રિય પદાર્થનું સેન્દ્રિય ખાતરમાં રૂપાંતર મુખ્યત્વે સૂક્ષ્મ જીવાણુંઓથી થાય છે અને તે, તેમાં રહેલા કાર્બન અને નાઈટ્રોજન તત્વોથી પ્રભાવિત થયેલા હોય છે. જયારે આ કાર્બન : નાઈટ્રોજનનો રેશિયો ઘટીને ૩૦:૧ થાય ત્યારે સૂક્ષ્મ જીવાણુંઓના કાર્ય માટે જરૂરી નાઈટ્રોજન મળી રહે છે. જો કે આ પછી પણ કહોવાણ ચાલુ રહેતાં કાર્બન નાઈટ્રોજનનો રેશિયો ૨૦:૧ સુધી ઘટે છે જે સારૂ સેન્દ્રિય ખાતર તૈયાર થયેલ સૂચવે છે.

સેન્દ્રિય પદાર્થનો કાર્બન નાઈટ્રોજન રેશિયો પહોળો હોય છે. (કાર્બનિક પદાર્થના પ્રકાર મુજબ) આ પદાર્થોના કહોવાણ માટે નાઈટ્રોજનની જરૂરિયાત રહે છે. સેન્દ્રિય પદાર્થોનું કહોવાણ થતાં કાર્બન : નાઈટ્રોજન ગણોત્તર ઘટે છે.

સેન્દ્રિય ખાતર બનાવવાની પ્રક્રિયા દરમ્યાન નાઈટ્રોજનનો એમોનિયા વાયુ રૂપમાં ૨૦-૪૦% વ્યય થાય છે જેથી કહોવાણ થવામાં સમય લાગે છે. નાઈટ્રોજનનો આ વ્યય અટકાવવા યોગ્ય ઉપાય કરવા તથા સેન્દ્રિય પદાર્થો સાથે નાઈટ્રોજનયુકત પદાર્થો બરાબર મિશ્ર કરવા જોઈએ.

નાઈટ્રોજનનો વ્યય થતો અટકાવવાની સાથે સાથે અગત્યના અન્ય પોષક તત્વોનો પણ વ્યય થતો અટકાવવાથી સારી ગુણવત્તાવાળું કમ્પોસ્ટ (સેન્દ્રિય ખાતર) મેળવી શકાય

કમ્પોસ્ટ બનાવવાની વિવિધ પદ્ધતિઓ :

પરંપરાગત ખેડૂત પદ્ધતિ અથવા ઢગલા પદ્ધતિ:

આ પદ્ધતિમાં કમ્પોસ્ટ બનાવવા જમીન ઉપર રોજબરોજ સેન્દ્રિય પદાર્થોનો જમીન પર ઢંગલો કરવામાં આવે છે અને સેન્દ્રિય પદાર્થોના કહોવાણ માટે ભેજની જરૂરિયાત હોઈ અવારનવાર પશુઓના મૂત્ર તેમ જ ગમાણની સાફસૂફીવાળા પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ઢંગલો ખુલ્લી જગ્યામાં હોવાથી ટૅગલાની અંદર હવાની અવરજવર વધારે થાય છે જેથી સૂક્ષ્મ જીવાણુંઓની પ્રક્રિયા ઝડપી બને છે. ઢંગલો સમયાંતરે ફેરવતા રહેવાથી સેન્દ્રિય પદાર્થોના નાના-નાના ટુકડા થતાં તથા હવા ભળવાને કારણ પણ કહોવાણની પ્રક્રિયા ઝડપી થતી હોય છે. કહોવાણ દરમ્યાન આ પદ્ધતિમાં ઉષ્ણતામાન ૬૦ થી ૭૦° સે પહોંચતું હોવાથી નીંદામણના બી કે રોગકારક જીવાણુંઓ પણ નાશ પામે છે. આ પદ્ધતિમાં સેન્દ્રિય પદાર્થનું કદ લગભગ પ0% જેટલું ઘટી જાય છે. નાઈટ્રોજન તત્ત્વનો પણ ખુલ્લી જગ્યા હોવાના કારણે લગભગ ૨૦ થી ૮૦% વ્યય થાય છે. ચોમાસા દરમ્યાન વરસાદ પડતાં કહોવાણની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ઢગલામાંથી પોષકતત્વોનું ધોવાણ થાય છે.

ખાડો ખોદી કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ ઢગલા પદ્ધતિ કરતાં લાભદાયક છે. જો કે શરૂઆતમાં ખાડો ખોદવાનું ખર્ચ થાય છે પરંતુ લાંબે ગાળે લાભદાયી છે. ખાડા પદ્ધતિમાં સેન્દ્રિય તત્વનું કહોવાણ હવાની ગેરહાજરીમાં (અનએરોબિક) થતું હોઈ કહોવાણથી પ્રક્રિયા ધીમી થાય છે પરિણામ સ્વરૂપ સેન્દ્રિય તત્વ તથા નાઈટ્રોજન તત્વનો વ્યય ઓછો થાય છે જે અંદાજે અનુક્રમે ૨૫% અને ર0% હોય છે. આથી ખાડા પદ્ધતિમાં ગુણવત્તાયુકત મોટા જથ્થામાં કમ્પોસ્ટ બનાવી શકાય છે. આ પદ્ધતિમાં બાષ્પીભવનથી ઉડી જતો ભેજ રોકવા, ખાડો ભર્યા પછી છેલ્લે ઉપરની સપાટીએ માટીથી લીંપીને આવરણ કરવામાં આવે છે. હવાની ગેરહાજરી તથા કહોવાણની ધીમી પ્રક્રિયા દરમ્યાન ઉષ્ણતામાન ઢગલા પદ્ધતિ કરતાં નીચું રહે છે. તેમ છતાં આ પદ્ધતિથી ધીમી કહોવાણ પ્રક્રિયાને લીધે કેટલાક ઝેરી પદાર્થો ઉત્પન થવાથી નીંદામણના બી અને રોગકારક જીવાણુંઓ નાશ પામે છે. આ પદ્ધતિમાં સેન્દ્રિય પદાર્થનું ભૌતિક પરિવર્તન ખાસ થતું નથી. છતાં તૈયાર થયેલ કમ્પોસ્ટનું વૈજ્ઞાનિક ધોરણે ગુણવત્તાનું માપ જયારે કાર્બન નાઈટ્રોજન રેશિયો ૨:૧ થાય તે ગણવામાં આવે છે. તેયાર ખાતર, લાંબા સમય સુધી પોષક તત્વોના કોઈપણ જાતના વ્યય વગર ખાડામાં રાખી શકાય છે.

સમૃદ્ધ છાણિયું ખાતર (ખાડા પદ્ધતિ) :

આ પદ્ધતિમાં ૬ મીટર લાંબો, ૨ મીટર પહોળો અને ૧ મીટર ઊંડો (૧૫ થી ૨૦ ફૂટ લાંબો, પ થી ૬ ફૂટ પહોળો અને ૨.૫ થી ૩ ફુટ ઊંડો) ખાડો બનાવવામાં આવે છે. આ ખાડામાં તળિયે પ્રથમ એક ફૂટ સેન્દ્રિય કચરાનો થર કરવામાં આવે છે. ત્યારપછી તેની ઉપર છાણની સ્લરી પાણી સાથે અથવા માટી અને પાણીનો છંટકાવ કરવામાં આવે છે. દર એક ફૂટ સેન્દ્રિય કચરો ભરી, સ્લરી અથવા પાણી મિશ્રિત માટીનો છંટકાવ કરવામાં આવી છે. આમ ખાડો ત્રણ ફૂટ સુધી ભર્યા પછી છેલ્લે ઉપરની સપાટીને માટીથી લીંપી દેવામાં આવી છે. ત્રણ મહિના પછી આખા જથ્થાને શંકુ આકારના ઢગલામાં ફેરવવામાં આવે છે અને પાણી છાંટી ભીજવવામાં આવે છે. ત્યારપછી તેના ઉપર માટીનું કવર કરી દેવામાં આવે છે. બે માસ સુધી આમ રાખી મુકતાં કમ્પોસ્ટ તૈયાર થઈ જાય છે.

ઈંદોર પદ્ધતિ :

આ પદ્ધતિમાં ખેતરનું કચરું, ઢોરનું છાણ, પેશાબવાળી માટી, રાખ, છોડના પાંદડા, લીલો કચરો, સૂકુ ઘાસ, લીલો પડવાશ, કપાસ અને તુવેરનો કરાંઠી વગેરેનો ઉપયોગ થઈ શકે છે. કપાસની કરાંઠી જેવી કઠણ વસ્તુઓ હોય તો ગાડા કે ટ્રેકટર નીચે ચકડીને નાના નાના ટુકડાઓ કરી નાખવા. કમ્પોસ્ટના ખાડામાં આવી કઠણ વસ્તુઓનો ૧૦ ટકા કરતાં વધુ જથ્થો ન હોવો જોઈએ. જો કેળના પાણીવાળા થડ હોય તો એક બે દિવસ સુકવી કટકા કર્યા બાદ ઉપયોગ કરવો.

આ પદ્ધતિમાં એક મીટર ઊંડો અને ૨ થી ૩ મીટર પહોળો તેમજ ૮ થી ૧૦ મીટર લંબાઈનો ખાડો બનાવવો. બે ખાડા વચ્ચે થોડું અંતર રાખવું જરૂરી છે. જેથી કચરાની ફેરવણી કરવા જગ્યા મળે. ખાડામાં ઉપર જણાવ્યા મુજબનો કચરો પાથરવો જેનો ૨૫ થી ૩૦ સે.મી. નો થર કરવો. ઉપર છાણ માટીનો રગડો કરી છંટકાવ કરવો અને જરૂરી પાણીનો જથ્થો છાંટી ભેજ રાખવો. આવી રીતે થર કરી જમીનથી ૬0 થી ૯૦ સે.મી. ઊંચાઈ સુધી ખાડો ભરી દેવો.

આ પદ્ધતિમાં ખાડાના કચરાને ત્રણ વખત ઉપર નીચે કરી ફેરવવાનો રહે છે. દરેક ફેરવણી વખતે ૪ થી ૫ કિ.ગ્રા. જૂનું કહોવાયેલું ખાતર ભભરાવવાનું રહે છે. ત્રીજી ફેરવણી વખતે ઢગલો ખાડાની બહાર કરવાનો કરવાનો રહે છે. દર ફેરવણીએ જરૂરી ભેજ જાળવવા પાણી છાંટવું જરૂરી છે. આવી રીતે બનાવેલ ખાતર ૩ થી ૪ માસમાં તૈયાર થઈ જાય છે.

બેંગ્લોર પદ્ધતિ:

આ પદ્ધતિમાં ખાડામાં સૌ પ્રથમ ૨૫ સે.મી.માં સૂકા કચરાનો જાડો થર કરવામાં આવે છે. તેના ઉપર છાણની રબડીનો છંટકાવ કરી ભીંજવવામાં આવે છે. ખાડામાં પોણો મીટર સુધી ઉપર મુજબ ૨૫ સે.મી. ના થર કરવામાં છે. દરેક થર પછી છાણની રબડીનો છંટકાવ કરવામાં આવે છે. આ રીતે ખાડો ભરી દીધા પછી ૧૫ દિવસ સુધી રાખી મુકવામાં આવે છે અને ત્યારબાદ તેને ઉથલાવી ફેરવવામાં આવે છે. તે પછી ઉપરની સપાટી માટીથી લીંપી દેવામાં આવે છે. પાંચ માસ સુધી આ રીતે રાખી મુકવાથી કમ્પોસ્ટ તૈયાર થઈ જાય છે.