ડીસાની મુખ્ય બજારમાં આવેલી જમનાબાઈ પ્રાથમિક શાળા બ્રાન્ચ સ્કૂલમાં તસ્કરોએ શાળાના તમામ 14 રૂમના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંઈ હાથ ન લાગતા છેવટે પાણીના નળની ચકલીઓ ચોરી ગયા હતા. શાળાનો કિંમતી સામાન, કમ્પ્યુટરો, એલસીડી વગેરે જેમાં હતું તે રૂમનું તાળું ન તૂટતા મોટી ચોરી થતા બચી ગઈ હતી.

ડીસામાં રીસાલા બજાર વિસ્તારમાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત જમનાબાઈ પ્રાથમિક શાળામાં ગત રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ શાળામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ શાળાની ઓફિસ સહિત તમામ 14 રૂમોના તાળા તોડ્યા હતા જેમાંથી કંઈ હાથ લાગ્યું ન હતું. જોકે, તસ્કરોએ કોમ્પ્યુટર રૂમનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. જેથી કિંમતી સામાન ચોરાયો ન હતો, પરંતુ તસ્કરોને કંઈ હાથ ન લાગતા છેવટે બાળકોને પીવાના પાણીના નળની ચકલીઓ ચોરી ગયા હતા.

જે બનાવ અંગે શાળાના આચાર્ય રમેશભાઇ જોષીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ જાણ કરતાં ડીસા તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિનભાઇ પટેલ પણ શાળામાં પહોંચ્યા હતા. જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસે આવી તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જમનાબાઈ પ્રાથમિક શાળામાં ચોરીના પ્રયાસનો આ પ્રથમ બનાવ નથી. અહીં અગાઉ પણ ચોરીનો પ્રયાસ થયેલો છે. જેથી પોલીસ દ્વારા આ અંગે સતર્કતા દાખવવામાં આવે તેવી શાળા પરિવારની માંગ છે.