પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢના ચેખલાના પાટિયા પાસે રાત્રી દરમિયાન ટ્રેલર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં દૂધના ટેન્કર ચાલકનું અકસ્માતના કારણે મોત નીપજયું હતું. બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના વડગામના અધૂરીયા બ્રિજ પાસે એક સીફ્ટ ગાડી બ્રિજના ડિવાઇડર સાથે ટકરાતા ગાડીમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જે બાદ આજે વહેલી સવારે પાલનપુર આબુ હાઇવે ઉપર અમીરગઢના ચેખલા ગામના પાટીયા નજીક એક ટેલરનું પાછળનું ટાયર ફૂટી જવાના કારણે ચાલકે ગાડી રોડ સાઈડમાં ઊભી કરી હતી. જે સમય દરમિયાન એક દૂધનું ટેન્કર સાથે ધડાકાભેર ટક્કર થતા ટેન્કરનો આગળનો ભાગ ચગદાઈ ગયો હતો.

ટેન્કર ચાલક ટેન્કરમાં ફસાઈ જતા હરીપરથી પસાર થતા વાહન ચાલકો ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, અકસ્માતની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી ટેન્કરમાં ફસાયેલા ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે, ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ પોલીસે ટેન્કર ચાલકને બહાર નીકળ્યો હતો પરંતુ ટેન્કર ચાલકનું મોત નિપજયું હતું. અકસ્માતના કારણે હાઇવે ઉપર ટ્રાફિકજામ થતા અમીરગઢ પોલીસે ટેલર અને ટેન્કરને બંનેની રોડની સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર ખુલ્લો મુકાયો હતો અને અકસ્માતને લઈ આગળની તપાસ હાથ ધરી છે.