ડીસાથી ચિત્રાસણી રોડ પર આવેલ શિવધારા વોટરપાર્ક એન્ડ રિસોર્ટ દ્વારા વોટરપાર્કમાં આનંદ માણવા આવેલા ગ્રાહકોને લાઈટ જતી રહી હોવા છતાં પૈસા પરત ન આપતા બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા શિવધારા રિસોર્ટ દ્વારા ગ્રાહકને રૂપિયા 15 હજાર ચૂકવવાનો આદેશ કરાયો હતો.

અંબાજીમાં રહેતા શક્તિસિંહ જગતસિંહ પરમાર દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, બનાસકાંઠાને આબુ હાઇવે ડીસા- ચિત્રાસણી રોડ પર આવેલ શિવધારા વોટરપાર્ક એન્ડ રિસોર્ટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, 23 જૂન-2022ના સવારે તેઓ તેમના અને સંબંધીના મળી ત્રણ ફેમિલીના 11 વ્યક્તિઓ 3500 રૂ.માં ભાડાની ગાડી લઈ શિવધારા રિસોર્ટ પર પહોંચ્યા હતા.

જેમાં કુલ ખર્ચ રૂ. 9189 થયો હતો. બપોરે 12-00 વાગે લાઈટ જતી રહી હતી. સાંજે 4-30 વાગે લાઈટ આવી અને સાંજે 6-00 વાગે રિસોર્ટ ખાલી કરાવવાનો હોવાથી શક્તિસિંહ તેમના સંબંધીઓ તેમજ તમામ લોકોને બહાર મોકલી દેવાયા હતા. જેથી તેઓએ રિસોર્ટમાં થયેલ કુલ ખર્ચના નાણાં પરત માંગતા મેનેજર અને સ્ટાફ દ્વારા દુરુવ્યવહાર કરાયો હતો.

કેસ કમિશનમાં ચાલી જતાં 23 જુલાઈ-2024 ના રોજ એન.પી. ચૌધરી (પ્રમુખ) અને સભ્ય બી.જે. આચાર્ય અને સભ્ય એમ.એ.સૈયદની જ્યુરી દ્વારા શિવધારા વોટરપાર્ક એન્ડ રિસોર્ટને રૂપિયા 15000 અરજી કર્યાની તારીખથી વસૂલ આવે ત્યાં સુધી 9 ટકાના સાદા વ્યાજ સાથે દિન 60માં અરજદાર શક્તિસિંહને બિનચૂક ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. 1500 રૂ. ખર્ચના અને માનસિક ત્રાસના 1500 રૂ. પણ ચૂકવવાનો આદેશ કરાયો છે.