શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના ૭૬,૭૭ અને ૭૮ મા જણાવ્યું છે કે, "ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષપણે નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે,' ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું કિર્તન ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રમંત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમોમાં ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવા.' આ ઉપરાંત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની આજ્ઞા અનુસાર ધ્યાન, એકટાણાં, ધારણા-પારણાં, મંગળા આરતીના નિયમો, સંધ્યા આરતીના નિયમો, એકાદશીના નકોરડા ઉપવાસ વગેરે પણ લઇ શકાય. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.