ડીસા તાલુકાના લોરવાડા અને ખેટવા ગામ વચ્ચે રવિવારે રાત્રે ચાલુ ટ્રેનમાંથી પટકાતાં એક યુવકનું મોત થયું હતુ. ભીલડી પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરી ઘટના અંગે જાણ કરી હતી. આ અંગે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ડીસા તાલુકાના લોરવાડા અને ખેટવા ગામ વચ્ચે પસાર થઇ રહેલી ભૂજ બરેલી પેસેન્જર ટ્રેનના ડબ્બામાંથી રવિવારે રાત્રે એક યુવક નીચે પટકાયો હતો. જેને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતુ. આ અંગે ભીલડી રેલવે પોલીસ મથકે જાણ કરવામાં આવતાં હે.કો. શિવાભાઈ અને પંકજભાઈ ઘટના સ્થળે જઈ તલાશી લેતા ખિસ્સામાંથી દિલ્લી થી ભુજ ની ટિકીટ અને મોબાઈલ મળી આવ્યો હતો.

મોબાઈલના આધારે પરીવારનો સંપર્ક કરતાં મૃતક ઉત્તરપ્રદેશના મહોબા તાલુકાના મૌહરી ગામનો ૩૧ વર્ષિય અખિલેશ રજોલા પાલ (ઉ.વ.31) હોવાની ઓળખ થઇ હતી. જેના મૃતદેહને પી.એમ અર્થે ભિલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ રેલવે પોલીસ હેડ. કોન્સ્ટેબલ શીવાભાઈ ચલાવી રહ્યા છે.

નોંધનીય છે કે, ભીલડી નજીક ઓઢવા ગામે થોડાક સમય અગાઉ આવી રીતે જ ઝારખંડનો 15 વર્ષિય સગીર ટ્રેનમાંથી નીચે પડી જતાં મોતને ભેટ્યો હતો. બીજી ઘટનામાં ઉત્તરપ્રદેશના યુવકનું મોત થયું છે.