ડીસાના જૂનાડીસા ગામની એક સગીરાનું લગ્નની લાલચે બે વખત અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ યુવક અને તેના સહયોગીઓએ સગીરાને તેના માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી કંટાળેલી સગીરાએ ચાર વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં રહેતી એક સગીરાને ગામની જીવન જ્યોત સોસાયટીમાં રહેતા અજય સરાણીયાએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તારીખ 9 મે-2024 ના રોજ ગાડીમાં તેનું અપહરણ કરી જોધપુર લઈ ગયો હતો. ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ 3 જૂન-2024 ના રોજ પણ ખાનગી વાહનમાં તેને અજાણી જગ્યાએ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
જ્યાં સાત દિવસ રાખ્યા બાદ તે તેણીને બસ દ્વારા પાલનપુર લઈ આવ્યો હતો. જ્યાંથી ગાડીમાં બેસાડી અજય સાથે રામાભાઈ સરાણીયા, રસીદભાઈ મીર અને અમિયાબેન સરાણીયાએ તેણીને પોલીસ મથકે અમે કહીએ તેમ જવાબ લખાવવો નહિતર તેના માતા-પિતા અને એકના એક ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી સગીરાએ પોલીસ સમક્ષ તેઓના કહ્યા મુજબ જણાવી માતા-પિતાને ઘરે જવાનું ટાળ્યું હતું.
જેના પગલે પોલીસે તેણીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી દીધી હતી. જ્યાં તેણીને અન્ય બહેનોએ સમજાવતા તે તેના માતા-પિતાના ઘરે પરત આવી હતી અને તેણે ચારેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.