આદ્યશક્તિ દેવી બહુચર બાળા વિશે એક યુવકે અભદ્ર ટિપ્પણી કરતાં સમગ્ર માઈ ભક્તોમાં રોષ ફેલાયો છે. ત્યારે ડીસામાં મોદી સમાજ અને આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તેને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી હતી.
એક યુવકે ડાયરામાં બહુચર માતાજી અને તેમના વાહન કુકડા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. તેનો વિડીયો પણ સોશિયલ મીડીયામાં વાઇરલ કર્યો હતો. ડાયરામાં મનસુખ રાઠોડ નામનો શખસ અભદ્ર ટિપ્પણી કરતાં બોલ્યો હતો કે, "કૂકડાને બદામ, પિસ્તા, ઘી ખવડાવો તો પણ છ ફૂટની બાઈ કુકડા ઉપર બેસે તો કૂકડો મરી જાય." મનસુખ રાઠોડની આ પ્રકારની ટિપ્પણીથી સમગ્ર માઈ ભક્તોમાં રોષ ફેલાયો છે. જે બાબતે કડી પોલીસ મથકમાં મનસુખ રાઠોડ નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આરોપીને રાજકોટથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
જોકે, બહુચર માતાજી સમગ્ર મોદી સમાજના કુળદેવી હોવાથી મોદી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ડીસામાં મોદી સમાજ તેમજ આનંદ ગરબા મંડળની બહેનોએ નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી હતું. મહિલાઓએ કચેરીમાં જ આનંદ ગરબાની ધૂન મચાવી હતી. બહુચર માતાજીનું અપમાન કરવા બદલ મનસુખ રાઠોડ સામે કડક કાર્યવાહી થાય, તેને કડકમાં કડક સજા મળે તેમજ તેના વિડીયો youtube પરથી દૂર કરવાની માગ કરવામાં આવી હતી.