હવામાન વિભાગની આગાહી મુજબ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે. જેથી ઉકાઈ ડેમનું લેવલ વધીને 336 ફૂટ જેટલું થયું હતું. આ પછી વહીવટીતંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી 1.84 લાખ પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે પણ 1.84 લાખ ક્યુસેક પાણી છોડીને ડેમનું લેવલ રૂલ લેવલની નજીક લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં ઉકાઈ ડેમના 12 દરવાજા 9 ફૂટ ખોલીને 1.84 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
હથનૂર ડેમમાંથી પાણીની આવક યથાવત
ઉકાઈ ડેમ કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હથનૂર ડેમમાંથી પાણી છોડવાનું યથાવત રાખવામાં આવ્યું છે. આજે પણ ઉકાઈ ડેમના હથનુર ડેમમાંથી 83 હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે. ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમમાં કુલ 1.36 લાખ પાણી આવી રહ્યું છે.
ઉકાઈ ડેમમાંથી જંગી માત્રામાં પાણી છોડવાને કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે. સુરતમાં સિંગણપુર કોઝવેનું લેવલ 9.25 મીટર નોંધાયું છે. આવી સ્થિતિમાં સુરતમાં 2.25 લાખ ક્યુસેક પાણી રોડ પરથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે તાપી નદીનો નજારો જોવા લાયક બન્યો છે.