ડીસા તાલુકાના મુડેઠા નજીક વાહનની ટક્કરે યુવકનું મોત થયું હતું. નવી ભીલડીનો યુવક કાપડની ફેરીના નાણાં ઉઘરાવી મુડેઠાથી પરત આવતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. આ અંગે મૃતકના નાનાભાઇએ અજાણ્યા વાહન ચાલક સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડીસા તાલુકાના નવી ભીલડીના શૈલેષભાઇ બાબુલાલ દરજી (ઉ.વ.36) કાપડની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેઓ બુધવારે સાંજે નાણાંની ઉઘરાણી માટે મુડેઠા ગામે ગયા હતા. જ્યાંથી પરત આવતી વખતે વાહન ન મળતાં પગપાળા ચાલીને આવી રહ્યા હતા. ત્યારે પેટ્રોલ પંપ નજીક પાછળથી આવેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં શૈલેષભાઇને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માતની જાણ થતાં પરિવારજનો ત્યાં દોડી ગયા હતા. અને મૃતદેહ રતનપુરા (ભીલડી) હોસ્પિટલમાં પી.એમ. અર્થે લઇ જવાયો હતો. આ અંગે મૃતકના નાનાભાઇ અશ્વિનભાઇ બાબુલાલ દરજીએ ભીલડી પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.