ડીસા ઓવરબ્રિજ પર બાઈક પર જઈ રહેલા દંપતિને જીપડાલાએ ટક્કર મારતા પતિ પત્ની બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજ્યું હતું.
ડીસા તાલુકાના વડાવળ ગામે રહેતાં અને વડાવળ મોમાઇ નગર દૂધ મંડળીના મંત્રી સોમાભાઇ મફાભાઇ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવનાબેન સોમાભાઇ પ્રજાપતિ પાલનપુરથી કોઈ સબંધીની દવાખાને ખબર કાઢી વડાવળ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ડીસા ઓવરબ્રિજ પર પાછળથી આવી રહેલા જીપડાલાએ બાઇકને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી.
જેમાં ભાવનાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. ભાવનાબેનના અચાનક મોતથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી છે.