જમીનની ફળદ્રુપતા, જૈવ વૈવિધ્યતા અને ઉત્પાદન વૃદ્ધિનો ત્રિવેણી સંગમ એટલે પ્રાકૃતિક ખેતી

ડીસા તાલુકાના કાંટ ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતી દ્વારા પ્રાપ્ત કરી આત્મનિર્ભરતા

બાજરી, બટાકા અને મગફળીમાં પ્રયોગાત્મક પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ.1,96,850 ની કમાણી કરી

પ્રાકૃતિક ખેતી જમીનને જીવંત બનાવી તેની ભેજ સંગ્રહશક્તિ વધારે છે:- હિતેશભાઈ ચૌધરી*l

(અહેવાલ દિપક પઢીયાર બનાસકાંઠા )

ખેતી અને પશુપાલન ઉપર આધારિત બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, (આત્મા પ્રોજેકટ), જિલ્લા ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. નિયમિત અંતરે આયોજિત કૃષિ તાલીમમાં ભાગ લઈ હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી તેના તરફ વળ્યા છે. ખાસ કરીને યુવા પ્રગતિશીલ ખેડૂતો પરંપરાગત ખેતી સાથે પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતીમાં રસ દાખવી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની બટાકા નગરી ડીસા નજીક આવેલ કાંટ ગામના વતની અને પ્રગતિશીલ યુવા કૃષિકાર હિતેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરીએ ત્રણ વર્ષ પહેલાં પ્રયોગાત્મક ધોરણે પ્રાકૃતિક ખેતી અપનાવી હતી. પરંતુ ત્યારબાદ તેમને એનો ફાયદો જણાતાં અને જમીનની ફળદ્રુપતા વધતાં તેમણે કાયમી ધોરણે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો છે. આજે તેઓ ત્રણેક વિઘામાં પ્રાકૃતિક ખેતી કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપી લોકોને ઝેરમુક્ત ખેતી માટેની પ્રેરણા પુરી પાડી રહ્યા છે. 

હિતેશભાઇ ચૌધરીએ બાજરી, મગફળી અને બટાકાની ખેતીમાં કોઈપણ પ્રકારના રસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યા વિના સારું એવું ઉત્પાદન મેળવ્યું છે. આ ત્રણ વર્ષની ખેતીમાં તેમણે પોતે જોયું કે, જમીન ઉપજાઉ બની છે અને તેની ફળદ્રુપતામાં વધારો થયો છે. રાસાયણિક ખાતરોના વપરાશથી જમીન કઠણ, પથ્થર જેવી બની ગઈ હતી. માટીના ઢેફાં પડતાં હતાં. પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીન જીવંત બની છે, પહેલાં જમીન કઠણ હોવાથી વરસાદી પાણી વહી જતું. હવે અળસીયાંને કારણે જમીન પોચી બની છે, જેથી પાણી જમીનમાં ઉતરે છે, નેચરલ વોટર હારવેસ્ટિંગને કારણે જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે છે અને તેના કારણે ઉત્પાદકતા વધે છે. જો ખેતરમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરોનો વપરાશ કરવામાં ન આવે તો જૈવ વૈવિધતાને લીધે પરોપજીવીઓ, જીવજંતુઓ અને મિત્ર કીટકોની સંખ્યા વધે છે જે જમીનને સુરક્ષા પ્રદાન કરે છે. આવી જમીનમાં પેદા થયેલું અનાજ ઝેરમુક્ત હોય છે. આવનારા સમયમાં જો પ્રાકૃતિક ખેતી અપનાવવામાં નહિ આવે તો ઝેરયુક્ત ખોરાકથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થશે, લોકોની તંદુરસ્તી જોખમાશે. આથી પ્રાકૃતિક ખેતી એ આપણી ભાવિ પેઢીને બચાવવા માટે પણ જરૂરી છે. 

હિતેશભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી બાજરીમાં વિધે રૂ. 45,000, મગફળીમાં વિધે રૂ. 55,600 અને બટાકામાં વિધે રૂ. 96250 ની આવક મળી વાર્ષિક કુલ રૂપિયા 1,96, 850 ની કમાણી કરી છે. પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે દુવિધા અનુભવતા ખેડૂતોને હિતેશભાઈ રોજ સોનાનું ઈંડુ આપતી મરઘીની વાત દ્વારા પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રોત્સાહન પ્રેરણા આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રાકૃતિક ખેતીમાં તાત્કાલિક ફાયદો નહિ મળે પરંતુ લાંબાગાળે ફાયદો જ ફાયદો છે. ઝેરયુક્ત અનાજ ઉગાડી આપણી ભાવિ પેઢીને નષ્ટ કરવી એના કરતા પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન અને જીવન બંનેને સુરક્ષિત કરી શકાય છે. આજે નહિ તો કાલે પ્રકૃતિક કૃષિ અપનાવ્યા વગર છૂટકો નથી. એનાથી કશું નુકશાન થતું નથી અને ખૂબ ઓછા ખર્ચે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકાય છે. તેમનું કહેવું છે કે પ્રાકૃતિક કૃષિ પેદાશોને જેટલું માર્કેટ વધારે મળશે, લોકોમાં એના પ્રત્યેની જાગરૂકતા વધશે એમ લોકો આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી તરફ વધુ વળશે.

હિતેશભાઈ ચૌધરીએ પોતાના ખેતરમાં એક દેશી ગાય પણ પાળી છે. જેના ગૌ મૂત્ર અને છાણ દ્વારા તેઓ જીવામૃત બનાવી તેનો કુદરતી ખાતર તરીકે પોતાના ખેતીપાકોમાં છંટકાવ કરે છે. પ્રાકૃતિક કૃષિની સાથે સાથે હિતેશભાઈએ દુધાળા પશુઓ માટેની રાજ્ય સરકારની સહાય અને નર્સરી માટે રૂ. 2,27,000 ની સરકારી યોજનાકીય સહાય મેળવી છે. 

નોંધનીય છે કે, આપણા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર માટે કૃષિ પરિસંવાદો યોજી લોકોને માહિતગાર કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં નોધપાત્ર કામગીરી થઇ રહેલ છે. જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેડૂતોના ઉન્નત ભાવિના દ્વારા ખુલે તે માટે અનેકવિધ આયોજન કરવામા આવી રહેલ છે.