ચેક રિટર્ન કેસમાં ડીસાના જ્વેલર્સને એક વર્ષની કેદ

ડીસામાં સોના ચાંદીના દાગીના બનાવનાર જ્વેલર્સએ મિત્ર પાસેથી લીધેલા રૂપિયા 4.50 લાખ પરત ન કરતા તે રકમ પેટે આપેલો ચેક રિટર્ન થતા ડીસા કોર્ટે જ્વેલર્સને એક વર્ષની સાદી કેદની સજા નો હુકમ કર્યો હતો.

 આ ચુકાદા ની વિગત એવી છે કે, ડીસાની સિંધી કોલોની અંબાજી મંદિર પાસે રહેતા હરિઓમ માણેકલાલ સોની ચુડલા ઘડવાનું કામ કરે છે. તેમની પાસે ડીસાના લેખરાજ ચાર રસ્તા પાસે આવેલા ધરણીધર કોમ્પ્લેક્સમાં સોનાના દાગીના ઘડવાનું કામ કરતા નરેશભાઇ અણદારામ સોની (મૂળ. રહે, ભડથ, તા.ડીસા) એક જ સમાજના હોવાના તેમજ કૌટુંબિક સંબંધો હોવાના નાતે જરૂર હોવાથી રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી. તેઓએ છ મહિનામાં પાંચ લાખ પરત આપવાનું જણાવ્યું હતું. જોકે હરિઓમભાઈ પાસે રૂપિયા 4.50 લાખની જ સગવડ થતા તેઓએ તા.6/11/ 2020 ના રોજ રૂ.4,50,000 આપ્યા હતા.

 જે બાદ મુદત પૂરી થઈ હોવા છતાં વારંવાર ઉઘરાણી કરવા છતાં નરેશભાઈ પૈસા પરત આપતા ન હતા. જેથી તેઓએ તેઓના વકીલ મારફત નોટિસ મોકલાવતા નરેશભાઈએ નોટિસ નો જવાબ પણ મનસ્વી રીતે આપ્યો હતો અને તેઓએ જે ભરોસાથી પૈસા આપ્યા હતા તે પ્રમાણે વર્તન ન કરી તેઓની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.જેથી હરિઓમભાઈએ ડીસા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. 

જે કેસ ડીસાના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ. એન. સૈયદ ની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશએ ફરિયાદીના વકીલ બી.ડી. ખત્રીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી નરેશભાઈ સોનીને ધી.નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ના ગુનામાં તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ન્યાયાધીશએ આરોપીને રૂપિયા 4.50 લાખ નું વળતર બે માસમાં ચૂકવો દેવાનો અને વળતર ના ચુકવે તો વધુ છ માસની સાદી કેદનો પણ હુકમ કર્યો હતો.