અંગદાન અને દેહદાન અભિયાન અંતર્ગત ડીસાના જાણીતા તબીબના પિતાએ પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાનો સંકલ્પ લીધેલો હોવાથી તેઓના પરિવારજનો દ્વારા આજે તેઓનું અવસાન થતાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે તેઓના પાર્થિવ શરીરને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસના લાભાર્થે દેહદાન કરવામાં આવ્યું હતું.
મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામના વતની અને ડીસા સ્થાયી થયેલા શહેરના જાણીતા રેડિયોલોજીસ્ટ ડોક્ટર સુરેશભાઈ પટેલના પિતા કુબેરભાઈ પટેલ સીટી સર્વે લેન્ડ રેકોર્ડના નિવૃત્ત અધિકારી હતા.
નિવૃત્તિ બાદ ધર્મસેવા અને સમાજસેવા સાથે સંકળાયેલા કુબેરભાઈ પટેલે અંગદાન દેહદાન અભિયાનથી પ્રેરિત થઈ પોતાના મૃત્યુ બાદ પણ દેહદાન કરવાનો સંકલ્પ લીધેલો હતો.
જેઓનું મંગળવારના રોજ મોડી રાત્રે અવસાન થતા પરિવારજનોએ સ્વર્ગસ્થની ઈચ્છા અનુસાર તેમના પાર્થિવ શરીરને બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે અર્પણ કર્યું હતું. બનાસ મેડિકલ કોલેજના ડોક્ટર સુનિલ જોશી તથા ડીન, એનેટોમી ડિપાર્ટમેન્ટ, કોલેજના વિદ્યાર્થીઓએ આદરપૂર્વક દેહ સ્વીકારી પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, દેહદાનએ સૌથી મહાન દાન છે. જે ડોક્ટરનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ થાય છે.