ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બંધ ક્વાટર્સમાં આગ લાગતા દોડધામ મચી હતી. આ ક્વાર્ટર્સ બંધ હાલતમાં હોવાથી અહીં કચરો જમા થતા એક વર્ષમાં ત્રીજી વખત આગ લાગી હતી. ભરચક વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર આવેલું હોવાથી આજુબાજુના રહીશોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું. ડીસા પાલિકાના ફાયર ફાઈટરે આવી આગ બુઝાવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ક્વાર્ટર્સ બંધ હાલતમાં પડ્યા છે. જેમાં બાવળો ઊગી જતા તેમજ કચરો જમા થતા અગાઉ પણ બે વખત આગ લાગી હતી. જે તે વખતે ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને પત્ર લખી આ ક્વાટર્સની નિયમિત સાફ-સફાઈ કરાવવા અથવા તેઓને જરૂર ન હોય તો ગ્રામ પંચાયતને પરત આપવા માગ કરી હતી. જે બાદ અહીં જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ પણ મુલાકાત લીધી હતી તેમ છતાં હજુ સુધી આ પ્રકરણનો કોઈપણ નિવેડો આવ્યો ન હતો.

ત્યારે આજે ક્વાર્ટર્સમાં ફરીથી આગ લાગી હતી. આરોગ્ય કેન્દ્રની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી વારંવાર આગના બનાવોથી રહીશોમાં ભય ફેલાયેલો છે અને કોઈ દિવસ મોટી હોનારત થશે તેવી દહેશતમાં લોકો જીવી રહ્યા છે. આજે આગ લાગતા ડીસા નગરપાલિકાના ફાયર-ફાઈટરને જાણ કરાતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમે દોડી આવી આગ બુઝાવી હતી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે વારંવાર બનતી આગની ઘટનાથી રહીશોમાં ભારે રોષ ફેલાયેલો છે અને આરોગ્ય વિભાગ હવે ઝડપથી આ બંધ ક્વાટર્સનો નિકાલ લાવે અથવા ગ્રામ પંચાયતને પરત સોંપે તેવી માગ કરી રહ્યા છે.