ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા કર્મચારીનો ચાલુ ડ્યુટીએ હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર પાલિકા વર્તુળમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

ડીસા નગરપાલિકાની વોટર વર્ક શાખામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ શ્રીમાળી (રહે, આંબેડકર ચોક નજીક ભોપાનગર, ડીસા) આજે સવારે હિમાલય સોસાયટીમા આવેલ ડીસા નગરપાલિકાની વોટર વર્કસ સાઈટ ખાતે ફરજ ઉપર હતા.

 તેઓએ સવારે અલગ-અલગ લાઇનના વાલ્વ ખોલ્યા બાદ તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સાથી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ડીસામાં વોટર વર્કસ શાખામાં અમૃતભાઈ શ્રીમાળી વર્ષોથી ફરજ બજાવતા હતા અને પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠ કર્મચારી તરીકે તેઓની છાપ હતી. તેઓના મોતથી પરિવારજનો ઉપરાંત નગરપાલિકા વર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.