પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામે પીકપ પલ્ટી ખાતા :ગાડીમાં સવાર ૧૦નો આબાદ બચાવ
ઘોઘંબા તાલુકાના ઝીંઝારી ગામના લોકોનો હાફેશ્વર થી દર્શન કરી પરત ફરતા અકસ્માત
પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામે પીકપ પલ્ટી ખાતા ૧૦ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી છે. સદ નસીબે દસે દસ નો આબાદ બચાવ થવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના ઝીંઝારી ગામના શ્રદ્ધાળુઓ હાફેશ્વર દર્શનાર્થે જઈને પાતાના ગામે જવા પરત થઈ રહ્યા હતા. ત્યારે સવારના સમય દરમ્યાન પાવીજેતપુર તાલુકાના ડેરિયા ગામે વળાંક ઉપર ચાલકે ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને ગાડી પલ્ટી ખાઇને ખાડામાં ઉતરી જઈ ચારેવ વ્હીલ અધ્ધર થઈ જવા પામ્યા હતા.આ ઘટનામાં ૧૦ વ્યકિતઓને શરીરે નાની મોટી ઇજાઓ થઇ હતી. તેઓને ૧૦૮ મારફતે સારવાર અર્થે દવખાનામાં ખસેડાયા હતા. પીકપ ગાડી ના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સામેથી કોઇ વાહન આવતુ ના હોવાને કારણે મોટી હોનારત ટળી હતી. અકસ્માતમાં ગાડીએ પલટી ખાતા અવાજ થતાની સાથે આસપાસમાં રહેતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢ્યા હતા. ૧૦૮ બોલાવી સારવાર માટે દવાખાને મોકલવામાં આવ્યા હતા.