રાજ્યની સરકારી શાળાઓમાં અવારનવાર એવું જોવા મળે છે કે વિદ્યાર્થી આગળના ધોરણમાં પાસ થાય છે, પરંતુ વાસ્તવમાં તેણે કયા વર્ગમાં અભ્યાસ કર્યો છે તેની તેને કોઈ જાણ હોતી નથી. રાજ્યની સરકારી શાળાઓની ગુણવત્તા અંગે હંમેશા સવાલો ઉઠતા હોય છે, જેના કારણે રાજ્યની 32,444 પ્રાથમિક શાળાઓમાં સ્વાતંત્ર્ય દિને પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણમાં સુધારો લાવવા માટે વાલી સંમેલન યોજવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષણ વિભાગે 15મી ઓગસ્ટે વાલી સંમેલન યોજવાનો આદેશ આપ્યો છે.જે અંગે ચર્ચા કરવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા 1.94 કરોડનો ખર્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

રાજ્યભરની 32267 પ્રાથમિક શાળાઓ માટે રૂ. 1.30 કરોડ અને 177 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGVB) શાળાઓ માટે રૂ. 64.88 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. 15મી ઓગસ્ટે યોજાનાર વાલી સંમેલનમાં શાળાના સર્વાંગી શૈક્ષણિક વિકાસની ચર્ચા સાથે સમગ્ર શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.