ડીસા-પાટણ હાઈવે પર ગુજરાત નામદાર હાઇકોર્ટના હુકમના આધારે ગૌશાળાએ લઈ જવાતાં પશુઓનું રક્ષણ કરતા SRP જવાનો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. ગૌરક્ષકોએ ગૌશાળા જતી પશુ ભરેલી ટ્રકને રોકી ગાળો ભાંડી બે SRP જવાનને માર માર્યો હતો. પશુઓ કતલખાને લઇ જઈ રહ્યા હોવાનું કહી હંગામો મચાવતાં ડીસા તાલુકા પોલીસે હુમલો કરનારા શખસોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા હલ કરવા માટે છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ વિસ્તારોમાંથી એમને પકડવાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ રખડતાં પશુઓને પકડી ગુજરાતની અલગ અલગ ગૌશાળાઓને સોંપવામાં આવી રહ્યાં છે. ત્યારે આ પશુઓ સહીસલામત પહોંચે એ માટે ગુજરાત નામદાર હાઇકોર્ટે પશુઓને પકડવાની કામગીરી દરમિયાન તેમજ ગૌશાળામાં પહોંચાડતી વખતે સુરક્ષા પૂરી પાડવા માટે SRP જવાનોને રક્ષણ માટે હુકમ કર્યો હતો. એના આધારે અમદાવાદ શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડેલાં 31 પશુને 4 ટ્રક મારફત ડીસાના જૂના ડીસા પાસે આવેલી રાધેક્રિષ્ના ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવી રહ્યા હતા.

જૂનાડીસા ફાટક પાસે આ પશુઓ ભરેલી ટ્રક સુરક્ષાકર્મીઓ સાથે પસાર થઈ રહી હતી. એ સમયે સની દશરથ પ્રજાપતિ, અનિલસિંહ રાજપૂત અને અશોક ભાટી સહિત ત્રણ શખસે પશુઓ ભરેલી ટ્રકોને રોકાવી SRP જવાનો સાથે બબાલ કરી હતી તેમજ હુમલાખોરોએ જીવદયાપ્રેમીઓ હોવાનું કહી SRP ના જવાનો આ પશુઓને કતલખાને લઇ જઈ રહ્યાં હોવાનું કહી હંગામો મચાવ્યો હતો.

સુરક્ષા કરી રહેલા SRP ગ્રુપના રવીન્દ્રસિંહ ભમરસિંહ ચાવડા, ફાલ્ગુનભાઈ ગોળ અને પૂનમભાઇ ગોકળભાઈ મોદીએ તેમને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં પણ આ ત્રણેય શખસે સુરક્ષાકર્મીઓ સાથે બોલાચાલી કરી તેમનો ગણવેશ ફાડી ઝપાઝપી કરી ગાળો ભાંડી હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલો કરનારા ત્રણેય શખસની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.