ડીસામાં અમેરિકન ડોલર વટાવવાના બહાને ઠગાઈ કરવા આવતા ઊંઝા અને મહેસાણાના ચાર શખ્સોને ડીસા તાલુકા પોલીસે ચૂંટણી ચેકિંગ દરમિયાન ઝડપી લીધા હતા. ચારેય શખ્સો રૂપિયા દસ લાખ અમેરિકન ડોલર જે બંધ થઈ ગયા છે તે એક રીક્ષાચાલકને ભોળવી તેના સંબંધી પાસેથી વટાવી ભારતીય નાણું લઇ ઠગાઈ કરવાના ફિરાકમાં હતા.
આ અંગેની વિગત એવી છે કે, મૂળ ઊંઝા તાલુકાના સિંહી ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા બાબુલાલ રતિલાલ વાલ્મિકીને આજથી ચારેક દિવસ પહેલા તેઓના ગામના અલ્પેશભાઈ વિષ્ણુભાઈ પટેલે ફોન કરી જણાવેલ કે તેઓની પાસે અમેરિકન ડોલર વટાવવાના છે. જેથી બાબુભાઈએ ડીસા ખાતે તેઓના ઓળખીતા જે ડી પટેલને વાત કરતા તેઓએ ડીસા ખાતે રૂબરૂ મળવા માટે બોલાવ્યા હતા. જેથી અલ્પેશભાઈ પટેલ તેમજ તેમની સાથે હાર્દિક કમલેશભાઈ પટેલ (રહે. જગુદણ, તા.મહેસાણા) પિયુષ દશરથભાઈ પ્રજાપતિ (રહે.જગુદણ,તા.મહેસાણા ) તેમજ દેવેન્દ્રસિંહ મ્હોબતસિંહ ઝાલા (રહે. ભેસાણા, તા. મહેસાણા ) સહિત ચારેય જણા બાબુભાઈની સાથે ડીસા આવવા નીકળ્યા હતા.
અલ્પેશ પટેલે બાબુભાઈને 10,00,000 ની અમેરિકન ડોલરની નોટ બતાવી હતી. જે તેમના પરિચિત જે.ડી. પટેલને મળી વટાવવાની હતી. ચારેય જણા ડીસા આવતા હતા ત્યારે લોકસભાની ચૂંટણી અંતર્ગત ડીસા તાલુકા પોલીસ દ્વારા ભોયણ અને રસાણા વચ્ચે ચાલી રહેલા ચેકિંગમાં પોલીસે તેઓની ગાડી ચેક કરતા તેમાંથી છરી મળી આવી હતી. જેથી પોલીસ તેઓને તાલુકા પોલીસ મથકે લાવતા તેમજ અંગ ઝડતી કરતા અલ્પેશ પાસેથી દસ લાખ અમેરિકન ડોલરની નોટ મળી હતી.
જે નોટ હાલમાં બંધ થઈ ગઇ હતી. જેથી આ ચારેય શખ્સો આ બંધ થયેલી નોટ બાબુભાઈના સબંધી પાસેથી વટાવીને ઠગાઈ કરવા માગતા હતા. તેવું જાણવા મળતા બાબુભાઈએ ચારેય શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.