ડીસા-રાધનપુર હાઇવે પર રાત્રે એક યુવા ખેત મજૂર યુવકે ઝેરી પ્રવાહી પી આત્મહત્યાની કોશિશ કરી હોવાની ઘટના બની છે. બનાવને પગલે આજુબાજુના સેવાભાવી લોકોએ તાત્કાલિક અસરગ્રસ્ત યુવકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે પાલનપુર અને ત્યારબાદ પાટણ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.

હારીજ તાલુકાના બોરતવાડા ગામે ભગિયા તરીકે ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાત ચલાવતા હરેશ મગનભાઈ ઠાકોર નામના 25 વર્ષીય યુવકે આત્મહત્યાની કોશિશ કરી છે. ગઈકાલે મોડી રાત્રે ડીસાના ભીલડી પાસે હાઇવે પર આ યુવકે ઝેરી પ્રવાહી આત્મહત્યા કરવાનો પ્રયાસ થયો હતો. દવા પી લીધા બાદ તરત જ તેને ઉલટી શરૂ થઈ ગઈ હતી અને યુવક બેભાન થઈ પડ્યો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા. તેમજ એક ખાનગી સેવાભાવી વાહન ચાલકે અસરગ્રસ્ત યુવકને તેની ગાડીમાં બેસાડી તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી તેના પરિવારજનોને જાણ કરી હતી.

આ ઘટનાની જાણ થતા જ યુવકના પરિવારજનો પણ તરત જ ડીસા સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને યુવકની હાલત વધુ નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ ત્યાંથી પાટણ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને હાલમાં અસરગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ બનાવ અંગે યુવકના પિતા મગનભાઇ ઠાકોરે મોબાઈલ પર વાત કરતા જણાવ્યું હતું કે, યુવકે ઝેરી પ્રવાહી પી કેમ આત્મહત્યા કરવાની કોશિશ કરી તે કારણ જાણી શકાયું નથી પરંતુ તેની હાલત વધુ લથડતા તેને પાલનપુર અને ત્યારબાદ પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં અત્યારે તેની તબિયત સારી છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.