ડીસામાં હત્યાના ગુનામાં સજા ભોગવતા પેરોલ પર રજા મેળવી 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. શહેર દક્ષિણ પોલીસે આરોપીને પકડી ફરીથી જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા આંતરરાજ્ય ગુન્હાઓમાં નાસ્તા કરતા આરોપીઓ તેમજ પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ માટે સૂચના આપી હતી. જે મુજબ ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પીઆઇ આર એસ દેસાઈની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ડીસાના હવાઈ પિલ્લર પાસે એક શંકાસ્પદ આરોપી ફરતો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસ તરત જ ત્યાં પહોંચી હતી.
પોલીસની ટીમે હવાઈ પીલ્લર પાસે કોલેજ જવાના રસ્તા પર જઈ રહેલા શંકાસ્પદ શખ્સને ઊભો રખાવી પૂછપરછ કરતા તે ડીસા તાલુકાના યાવરપુરા ગામનો દિનાજી સવાજી ડુડી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પુછપરછ કરતા તે હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ રજા મેળવી છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની અટકાયત કરી ફરી તેને જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.