હજારો વિદ્યાર્થીઓ તિરંગા સાથે દેશ ભક્તિ નાં નારા લગાવતા નિકળતા વાતાવરણ દેશ ભક્તિ રંગે રંગાયુ..
પાટણ તા.૧૨
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે શુક્રવારના રોજ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લામાં જિલ્લા મથકો ઉપર આવેલ કોલેજમાં રન ફોર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે તે જિલ્લાની કોલેજમાં જિલ્લા ભરની કોલેજો માંથી વિદ્યાર્થીઓ એકત્ર થઈ હાથમાં તિરંગા સાથે યાત્રા માં જોડાયા હતા. પાટણ ખાતે જિલ્લાનો રન ફોર તિરંગા કાર્યક્રમ શહેરની પીકે કોટાવાલા કોલેજ કેમ્પસ ખાતે થી નિકળી હતી જેમાં જિલ્લા ભરની કોલેજો માંથી વિદ્યાર્થીઓ સ્વયંભૂ જોડાયા હતા.
તિરંગા યાત્રા ને યુનિવર્સિટીના કુલપતિ ડો.જે.જે. વોરા , ઈસી સભ્ય શૈલેષ પટેલ , કોલેજના આચાર્ય ડો.લલિત પટેલ , યુનિવર્સિટી શારીરિક નિયામક ડૉ.ચીરાગ પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા કેમ્પસ માંથી નીકળી કૉલેજ રોડ, યુનિવર્સિટી, રેલવે સ્ટેશન,બગવાડા દરવાજા, આદર્શ હાઇસ્કુલ રોડ થઈ કોલેજ કેમ્પસ ખાતે સંપન્ન બની હતી.
આ યાત્રામાં અંદાજે 2 હજારથી વધુ વિદ્યાર્થિઓ જોડાતા અડધા કિમી ની આ યાત્રા શહેરીજનો માં આકષૅણ નું કેન્દ્ર બની હતી. હજારો વિદ્યાર્થીઓ ત્રિરંગો હાથમાં લહેરાવી દેશભક્તિના નારા અને ગીત સાથે રસ્તાઓ પર નીકળતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલ જોવા મળ્યું હતું.