પાવીજેતપુર તાલુકામાં ૭૦ ટકા જેટલા વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધનાની પરીક્ષા આપી
પાવીજેતપુર તાલુકામાં પાંચ જેટલા કેન્દ્રો ઉપર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના પરીક્ષા ૭૦% જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી.
પાવીજેતપુર તાલુકાના ધો.૫ના કુલ ૨૭૧૭ વિદ્યાર્થીઓ અને ધો.૮ ના ૨૨૯૫ વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધનાના ફોર્મ ભરાયા હતા. ૩૦ માર્ચે શનિવારના રોજ પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી, સીથોલ, પાવીજેતપુર, ભીખાપુરા હાઇસ્કુલોમાં વિવિધ સેન્ટર પર પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ ટૂંક સમયમાં પરિણામ જાહેર કરાશે. આ પરિણામના આધારે વિદ્યાર્થીઓનું મેરિટ તૈયાર કરાશે. જે બાળકો મેરિટમાં આવશે તે બાળકોને મોડેલ સ્કૂલ, જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ સહિતની શાળાઓમાં એડમિશન આપવા માટેની પ્રક્રિયા રાજ્ય કચેરી દ્વારા શરૂ કરાશે. સાથે સાથે સ્કોલરશિપ માટે પણ આ યોજનામાં વિદ્યાર્થીઓને લાભદાયક જોગવાઈ કરવામાં આવી છે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી બાળકોને પ્રોત્સાહન મળી રહે તે માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે. મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને શાળાઓમાં મફત શિક્ષણના લાભો તથા શિષ્યવૃત્તિ આપી પ્રોત્સાહિત કરવામાં આવનાર છે. સાથે સાથે શાળાઓને
અનુદાનની ગ્રાન્ટ પણ આપવા માટેની જોગવાઈ કચેરી દ્વારા કરેલ છે.
આજરોજ યોજાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ૨૭૧૭ પાવીજેતપુર તાલુકામાં વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૧૮૭૦ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા માં બેસતા ૬૮.૮૨ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે જ્ઞાન સાધના પરીક્ષામાં ૨૨૯૫ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તેમાં પણ ૭૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા.
આમ, પાવીજેતપુર તાલુકામાં યોજાયેલ કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ તથા જ્ઞાન સાધના પરીક્ષામાં ૭૦% જેટલા બાળકોએ પરીક્ષા આપી હતી.