લીંબડી તાલુકાના મુળ રાસકા ગામના અને હાલ ચુનારાવાડ વિસ્તારમાં શિવ-શક્તિ નગરમાં રહેતાં શીવાભાઈ રામસંગભાઈ ગાબુના ૩૫ વર્ષના પુત્ર હરેશભાઈ શીવાભાઈ ગાબુએ ગુરૂવારે સવારે તેના રહેણાંક મકાનમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ તેના પિતાને થતાં તેમણે તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ એમ્બ્યૂલન્સ આવે તે પહેલા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ લીંબડી પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસમાં તેની પગ સાથે બાંધેલી સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં યુવાને તેની પત્નીના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.પોલીસે વધુ તપાસ અર્થે યુવાનના પરિવારજનોને પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમનાં પુત્ર હરેશના લગ્ન નવેક વર્ષ પહેલાં મુળી તાલુકા જશાપર ગામે છાયાબેન સાથે થયા હતા.અને બે દિવસ પહેલા તે તેની સાથે બોલાચાલી કરીને તેના બનેવી સાથે જશાપર રીસામણે જતી રહી હતી. જ્યારે પોલીસે સુસાઈટ નોટના આઘારે આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે હરેશના મુત્યુના સમાચાર સાંભળતાં પરિવારજનો સહિત આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.