ડીસામાં એક મૃત વ્યક્તિના ડોક્યુમેન્ટ પર બેંકે લોન પર બાઈક આપ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘરે આરસી બુક આવતા મૃતકના પરિવારજનો ચોકી ઉઠ્યા હતા. જે મામલે બેન્ક અને પોલીસ મથકે ફરિયાદ કરી છે.
ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં ઝવેરી નગર સ્કૂલની પાછળ રહેતા પ્રકાશજી શાંતિજી ઠાકોર તા.23 ડિસેમ્બર 2023ના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું હતું અને મૃતકની મરણ નોંધણી પણ કરાઈ હતી. તેમના મૃત્યુના બે માસ બાદ કોઇ અજાણ્યા શખ્સે તેમના નામના ખોટા આધાર પુરાવા રજૂ કરી મહિનદ્રા કોટક પ્રાઈમ લિ.માંથી લોન મેળવી ટીવીએસ કંપનીનું બાઈક ખરીદી લીધું છે. મૃતકના ઘરે બાઈકની આરસી બુક ઘરે આવતા જ પરિવારજનો ચોકી ઉઠ્યા હતા.
આરસી બુકમા તા.05/02/2024 ના રોજ રજીસ્ટ્રેશન કરાવેલ હોવાનું અને GJ.08 DF.0808 નંબર હતો. આરસી બુક ઘરે આવતા જ મૃતકના પત્ની વર્ષાબેન પ્રકાશજી ઠાકોર તેમના પિતા ગોવિંદભાઈ ઠાકોર સાથે ડીસામાં આવેલ કોટક બેંકની શાખામાં પહોંચી રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમની રજૂઆતને ધ્યાને લઇ બીજા દિવસે અમદાવાદથી ટીવીએસ કંપનીના શોરૂમમાંથી બે કર્મચારીઓ તેમના ઘરે આવ્યા હતા અને બાઇકની ડીલવરી લેતી સમય બાઇક લેનારે પડાવેલ ફોટો બતાવ્યો હતો. જે મૃતક પ્રકાશભાઈ ઠાકોરનો ન હતો.
તેમજ લોન લેવા માટે રજૂ કરેલ દસ્તાવેજ પર કરેલી સહીઓ પણ પ્રકાશભાઈની ન હતી. તેમજ મૃતકના નામે અન્ય કોઈ વ્યક્તિએ ઈકબાલગઢ ખાતે આવેલ ટીવીએસના શોરૂમમાંથી લોન કરાવી બાઇકની ખરીદી કરી હોવાનો માલુમ પડ્યું હતું. જેથી મૃતકના પત્ની વર્ષાબેને અજાણ્યા શખ્સોએ તેમના મૃતક પતિના ડોક્યુમેન્ટના આધારે લોન પર બાઈકની ખરીદી કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બાબતે મૃતકના પત્ની વર્ષાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, મારા પતિનું બે મહિના પહેલા મૃત્યુ થયું હતું. જ્યારે હું ઘરે હતી ત્યારે પોસ્ટ મારફતે બાઈકની આરસી બુક આવી હતી. જે મારા પતિના નામે હતી. તપાસ કરતા કોઈ અજાણ્યા વ્યક્તિએ મારા મૃતક પતિના નામે લોન પર બાઈક ખરીદ્યુ હતું.
જે બાબતે મેં તરત જ મારા પિતાને જાણ કરી હતી અને બેંક અને પોલીસ મથકે પણ લેખિત રજૂઆત કરી તપાસ કરવા માટે જાણ કરી છે. વર્ષાબેનના પિતા ગોવિંદ ઠાકોરે પણ જણાવ્યું હતું કે, તેમની દીકરીના ઘરે આરસી બુક આવી ત્યારે જ ખબર પડી કે મૃતકના નામે કોઈ વ્યક્તિએ બાઈક ખરીદ્યું છે અને તે પણ લોનથી ખરીદી કરી છે. જેથી અમે બેંકમાં અને પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે.