ડીસા તાલુકાના માલગઢ ગામે નવીન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યએ ગ્રામજનો અને સરપંચને દબાણવાળો રોડ 33 ફૂટ જેટલો ખુલ્લો કરી આપવા વિનંતી કરી હતી.
ડીસા તાલુકાના માલગઢના કૃષ્ણનગરથી પરબડી ડેરી સુધીનો રૂ. ૬૮.૫૮ લાખના ખર્ચે તૈયાર થનાર ડામરના નવિન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા બની રહેલા રોડનું ધારાસભ્ય પ્રવીણ માળી, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, સરપંચ પ્રકાશ ઠાકોર, માલગઢ સરપંચ પતિ ભેરાજી માળી, કે.ટી માળી સહિત આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કૃષ્ણનગરથી પરબડી ડેરી સુધી ડામરનો રોડ તૈયાર થશે. લોકોએ રોડ પર કરેલા દબાણો દૂર કરશે તો વિકાસનો માર્ગ ઝડપી બનશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.
આ અંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સરકારે હવે રોડ રસ્તા બનાવવા માટે ખૂબ જ સજાગ છે. ત્યારે આપણે પણ 33 ફૂટ રોડ ખુલ્લો કરીને આપવો પડશે, તો જ સરકાર સેટેલાઈટ મેપ દ્વારા ચકાસણી કરી રોડ બનાવશે. દબાણ કરેલો રોડ ખુલ્લો કરવામાં નહીં આવે તો આ ગ્રાન્ટ અન્ય જગ્યાએ ફાળવાઇ જશે માટે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કે, તમામ લોકો પોતાનામાંથી થોડું ઘણું દબાણ દૂર કરે જેથી સારો માર્ગ બને ગાડી કે બાઈકચાલકોને પરેશાની ન થાય અને આ વિસ્તારની સમૃદ્ધિ પણ વધે.