ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર આજે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસની ટીમે તાત્કાલિક બનાવસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.
ડીસા-ભીલડી હાઇવે પર બનાસ ડેરીના દૂધના ટેન્કર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેક્ટરચાલક નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સાઈડમાંથી ઓવરટેક કરવા જતા બનાસ ડેરીના દૂધના ટેન્કરે ટ્રેકટરને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનાને પગલે આજુબાજુના વાહનચાલકો અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જ્યારે અકસ્માત થયો હોવાની જાણ થતા જ નેશનલ હાઇવે ઓથોરિટી અને ભીલડી પોલીસની ટીમ પણ તરત જ બનાવસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.
જોકે, સદ્દનસીબે જાનહાની ટળી હતી. જ્યારે બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થવા લાગ્યો હતો. જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ સહિત પોલીસની ટીમે ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.