મોડે મોડે તંત્ર દ્વારા ૨.૩૪ કરોડના ખર્ચે ડાયવર્ઝન ની કામગીરી ની શરૂઆત થતા જનતામાં હાશકારો

           પાવીજેતપુરના ભારજ પુલ પાસે તંત્ર દ્વારા મોડે મોડે ૨.૩૪ કરોડના ખર્ચે ડાયવર્ઝન ની કામગીરીની શરૂઆત કરતા જનતામાં હાસકારો જોવા મળી રહ્યો છે. 

            પાવીજેતપુર થી બે કિલોમીટર જેટલા અંતરે આવેલ ભારજ નદીનો પુલ સાત માસ અગાઉ બેસી ગયો હોય જેના ડાયવર્ઝનની કામગીરીની શરૂઆત બે દિવસથી થઈ છે, મોડે મોડે પણ ડાયવર્ઝનની કામગીરીની શરૂઆત થતા જનતામાં હાસકારાની લાગણી જોવાઈ રહી છે. આ પુલ બેસી જતા રંગલી ચોકડી થઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તેથી ૨૫ થી ૩૦ કિલોમીટર જેટલો ફેરો ફરવાનો વારો જનતાને આવ્યો હતો. ત્યારે છોટાઉદેપુરના ધારાસભ્ય, પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ તથા પુલની આજુબાજુના ગામડાના સરપંચો અને જનતાના સંયુક્ત પ્રયાસોથી જનતા ડાયવર્ઝનની શરૂઆત કરવામાં આવી હતી. જે ડાયવર્ઝન શરૂઆતમાં તો આશીર્વાદ રૂપ સાબિત થયું હતું પરંતુ આ ડાયવર્ઝન ઉપરથી હેવી લોડેડ ગાડીઓ પસાર થવાના કારણે ધીમે ધીમે આ જનતા ડાયવર્ઝન માથાના દુખાવા સમાન બનવા લાગ્યું હતું. વારે ઘડીએ ગાડીઓ ખોટકાઈ જવી, ટ્રાફિકજામ થઈ જવો એવી ઘટનાઓ ઘટિયા કરતી હતી. ત્યારે તંત્ર દ્વારા બે દિવસ અગાઉ જ ૨.૩૪ કરોડના ખર્ચે રેલવે પુલ તેમજ બેસી ગયેલ પુલ વચ્ચે ડાયવર્ઝન બનાવવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. ખરેખર આ જગ્યા ઉપર ઓલવેધર ડાયવર્ઝનની માંગ હતી. પરંતુ તંત્ર દ્વારા ડાયવર્ઝન જ મંજૂર કરવામાં આવતા, સાદુ ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે. જે ચોમાસામાં પાણીનો પ્રવાહ વધશે એટલે સ્વાભાવિક રીતે જ બંધ થઈ જશે, સાથે સાથે આ ડ્રાયવરજનની કામગીરી એટલી મોડી ચાલુ થવા પામી છે કે ચોમાસા પૂર્વે આ ડાયવર્ઝન તૈયાર થશે કે કેમ ? એ પ્રશ્ન જનતાને સતાવી રહ્યો છે. સાથે સાથે ચોમાસામાં વરસાદનું પાણી આવશે તો સ્વાભાવિક રીતે જ આ ડાયવર્ઝન બંધ થઈ જશે, તેથી તંત્ર યુદ્ધના ધોરણે હાલ લાઈટ વેટ વિહકલો માટે પુલ ઉપરથી પસાર કરવાની પરવાનગી આપવામાં આવી છે, તે પુલ નીચે મજબૂત સમારકામ કરી દેવામાં આવે તો ચોમાસામાં આ રસ્તો બંધ ન થાય અન્યથા આ રસ્તો બંધ થઈ જશે તો ફરીથી રંગલી ચોકડી થઈ ૨૫ થી ૩૦ કિલોમીટર જેટલો ફેરો ફરી ડાયવર્ઝન ઉપર જવું પડશે તેમ છે. આ ડાયવર્ઝન ૧૨ મીટર જેટલું પહોળું તેમજ ડામરિંગ વાળું પાકું બનશે તેથી ખખડધજ થઈ ગયેલા જનતા ડાયવર્ઝનના ત્રાસ માંથી મુક્તિ મળશે, શું ચોમાસા પૂર્વે આ ડાયવર્ઝન બની જશે ખરું ? આવા વેધક સવાલો પણ જનતામાં ઉઠી રહ્યા છે. 

           આમ, તંત્ર દ્વારા પાવીજેતપુર નજીક ભારજ નદીના પુલ તેમજ રેલવેના પુલ ની વચ્ચે ડાયવર્ઝનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેથી જનતામાં આનંદ જોવાઈ રહ્યો છે સાથે સાથે બેસી ગયેલ પુલનું સમારકામ કરી દેવામાં આવે તો ચોમાસામાં આ રસ્તો બંધ ન થાય તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે.