સાયલા નેશનલ હાઈવે અકસ્માતોથી રકતરંજીત બની રહ્યો છે. ત્યારે ફરી એકવાર રાજકોટથી અમદાવાદ જતી મહાસાગરની પોરબંદર અમદાવાદ તરફની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી ઢેઢુકી ગામ પાસેથી પસાર થતાં અજાણ્યા પુરુષને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.અકસ્માતની જાણ થતા ઢેઢુકી ગામના પ્રતાપભાઈ વલકુભાઈ ખાચર અને ગ્રામજનો દોડી આવ્યા હતા. સાયલા પોલીસને જાણ થતા ઘટનાસ્થળે આવીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. મૃતદેહને સાયલા દવાખાને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ બાબતે સાયલા પોલીસ મૃતક અજાણ્યા પુરુષના વાલીવારસની શોધખોળ ચલાવી રહી છે. મૃતદેહને લીંબડી કોલ્ડ સ્ટોરેજમાં મોકલી અપાયો હતો. લક્ઝરી બસના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે