ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ એક ગેસ્ટ હાઉસમાંથી પ્રેમીપંખીડાની સજોડે આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જે અંગેની જાણ ગેસ્ટહાઉસના સંચાલક અને સ્ટાફે પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. જ્યારે આ મામલે મૃતકના પરિવારજને ચોટીલા પોલીસ મથકે જાણ કરી હતી.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા હાઈવે પર આવેલ ઋતુરાજ ગેસ્ટ હાઉસના રૂમ નં.૧૦૬માંથી આત્મહત્યા કરેલી હાલતમાં પાયલબેન છનાભાઈ પરાલીયા ઉ.વ.૨૧, રહે.જીવાપર (આ) તા.ચોટીલા અને રાહુલભાઈ રમેશભાઈ મેટાળીયા ઉ.વ.૨૩, રહે.લાલવદર તા.વીંછીયાવાળાની સજોડે આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી .જે અંગેની જાણ બીજે દિવસે સવારે પોલીસને થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. પ્રાથમીક તપાસમાં મૃતક રાહુલભાઈ મેટાળીયા અને યુવતી પાયલબેન પરાલીયાને પ્રેમસબંધ હોય પરંતુ મૃતક રાહુલભાઈના લગ્ન થઈ ગયા હોવાથી બન્ને એકબીજા સાથે રહી શકે તેમ નહીં હોવાથી ગેસ્ટહાઉસમાં રૂમ ભાડે રાખી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. બન્ને પ્રેમીપંખીડાની આત્મહત્યાથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.