ડીસા-પાટણ હાઈવે પર ચાલુ કારમાં આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને લોકોએ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ડીસા તાલુકાના જુનાડીસા ગામ તરફથી એક કાર ડીસા તરફ આવી રહી હતી. જુનાડીસા ફાટક બંધ હોવાથી ટ્રાફિકજામ થયો હતો તે સમયે ટ્રાફિકમાં ઊભી રહેલી કારમાં શોર્ટ સર્કિટના કારણે આકસ્મિક આગના ધુમાડા નીકળવા લાગ્યા હતા. આગની જાણ થતાં જ કારનો ચાલક તરત જ બહાર નીકળી ગયો હતો. જ્યારે કારમાં આગ લાગી હોવાનું માલુમ પડતા જ ફાટક પાસે ઉભેલા પોલીસ કર્મચારીઓ સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

આગ લાગેલી કારની આજુબાજુના તમામ વાહનોને દૂર ખસેડવાની કામગીરી તાબડતોબ શરૂ કરી હતી. જ્યારે અન્ય લોકોએ આજુબાજુમાંથી પાણી લઈ આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રાફિકમાં ફસાયેલી કારમાં આગની ઘટના બનતા અન્ય વાહનચાલકો અને લોકોમા ભય ફેલાયો હતો. જો કે સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને લોકોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેતા જાનહાની ટળી હતી.