ડીસામાં ગાયત્રી મંદિર પાસે પાણીની પાઇપલાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે અને રોડ પર પાણીની રેલમછેલ થઈ જતાં ભરશિયાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ડીસામાં ગાયત્રી મંદિર પાસે પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હોવાની ઘટના સર્જાઇ છે. જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. આ પાઈપ લાઈન દ્વારા શિવનગર, ગાયત્રી મંદિર અને સ્પોર્ટ્સ ક્લબ સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તે દરમિયાન આજે પાણીનો બોર શરૂ કરતા જ પાઇપલાઇનમાં ભંગાણ હોવાના કારણે પાણી રોડ પર ભરાઈ ગયું હતું અને હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રોડ પર ભરાઈ જતા ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ હતી.

રોડ પર ભારે વાહનો ચાલવાના કારણે રોડ દબાતા આ પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે અને તેના કારણે જ તૂટેલી પાઇપલાઇનમાંથી હજારો લિટર પાણીનું વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે નગરપાલિકા તાત્કાલિક પાઇપલાઇન રીપેરીંગ કરે તો વધુ પાણીનો વેડફાટ અટકી શકે છે અને લોકોને પણ પાણીની તંગીનો સામનો ન કરવો પડે.